કુદરતનો કરિશ્મા: નંદેસરી બ્રિજ પર અકસ્માત બાદ 20 ફૂટ નીચે પટકાય તે પહેલા જ યુવકનો જીવ બચ્યો

વડોદરાઃ કુદરત જ્યારે રક્ષણ કરવા આવે છે ત્યારે કાળ પણ પાછો પડે છે, આવો જ એક કિસ્સો વડોદરામાં જોવા મળ્યો હતો. શહેરના નંદેસરી બ્રિજ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 20 વર્ષીય યુવકનું મોતના મુખમાંથી ચમત્કારિક રીતે બચી ગયો હતો.
બ્રિજ પરથી 20 ફૂટ નીચે પટકાવાને બદલે યુવકનો શર્ટ વીજળીના થાંભલામાં ભરાઈ જતા તે હવામાં લટકી ગયો હતો. આ દ્રશ્ય જોઈને પસાર થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના આદસ ગામનો 20 વર્ષીય સિદ્ધરાજસિંહ મહિડા નામનો યુવક પોતાની મોપેડ લઈને નંદેસરી બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો.
આપણ વાચો: રાપરમાં બાળક 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યો; ગામવાસીઓએ આ રીતે જીવ બચાવ્યો
આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર લાગવાથી સિદ્ધરાજ ઉછળીને બ્રિજની દીવાલની બહાર ફંગોળાયો હતો.
સદનસીબે તેનો શર્ટ બ્રિજ પર લાગેલી સ્ટ્રીટ લાઈટના પોલમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તે નીચે પડવાને બદલે હવામાં લટકી રહ્યો હતો.
બ્રિજ પર લટકી રહેલા યુવકને જોઈને આસપાસથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ જીવના જોખમે બ્રિજની રેલિંગ પરથી ઝૂકીને લટકી રહેલા સિદ્ધરાજનો હાથ પકડી લીધો હતો અને તેને ખેંચીને ઉપર લઈ આવ્યા હતા.
આપણ વાચો: વિમાન દુર્ઘટનામાં બચી ગયેલ રમેશ અત્યારે ક્યાં છે? પિતરાઈ ભાઈએ જણાવી હકીકત…
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકો આ ઘટનાને ભગવાનનો ચમત્કાર ગણાવી રહ્યા છે. યુવકને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે.
આ અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલક સામે નંદેસરી પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ બ્રિજ પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી ટક્કર મારનાર વાહનની ઓળખ થઈ શકે.
સિદ્ધરાજના પરિવારને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. 20 વર્ષીય યુવકે જણાવ્યું હતું કે જો તેનો શર્ટ ન ફસાયો હોત તો તે સીધો બ્રિજ નીચે પટકાયો હોત અને કદાચ તેની જાન બચી શકી ન હોત, આથી તે તેને પોતાનો બીજો જન્મ માની રહ્યો છે.



