એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ VC વિજય શ્રીવાસ્તવની પીએચડી ડિગ્રી બોગસ નીકળી! | મુંબઈ સમાચાર
વડોદરા

એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ VC વિજય શ્રીવાસ્તવની પીએચડી ડિગ્રી બોગસ નીકળી!

એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર (VC) વિજય શ્રીવાસ્તવની બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં મેળવેલી પીએચડી ડિગ્રી નકલી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. યુનિવર્સિટીના જ એક પ્રોફેસર સતીષ પાઠકે આ મામલે પોલીસ ફરિયાદ માટે યુનિવર્સિટીને પત્ર લખ્યો છે. આ ઘટનાએ રાજ્યના શિક્ષણ વિભાગ અને વહીવટી વ્યવસ્થામાં ગંભીર ખામીઓનો પર્દાફાશ કર્યો છે, જે રાજ્યમાં પ્રથમ વખત કોઈ VCની ડિગ્રી બોગસ હોવાનું બહાર આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્રોફેસર સતીષ પાઠકે વિજય શ્રીવાસ્તવની શૈક્ષણિક લાયકાત અને અનુભવ પર સવાલો ઉઠાવીને બુંદેલખંડ યુનિવર્સિટી પાસેથી વિગતો માગી હતી. બુંદેલખંડ યુનિવર્સિટીએ જણાવ્યું કે, વિજય શ્રીવાસ્તવનું નામ, રોલ નંબર 149, એનરોલમેન્ટ નંબર 149, અને 2000માં પીએચડી પાસ કર્યાનો કોઈ રેકોર્ડ નથી. આ ખુલાસા બાદ પ્રો. પાઠકે યુનિવર્સિટી રજિસ્ટ્રારને પત્ર લખીને આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરી છે. વિજય શ્રીવાસ્તવનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે સફળ થયો નહીં.

વિજય શ્રીવાસ્તવનો એમ.એસ. યુનિવર્સિટીના VC તરીકેનો ત્રણ વર્ષનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો. પ્રો. સતીષ પાઠકે તેમની નિમણૂક અને ડિગ્રીની ચકાસણી માટે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જોકે, હાઇકોર્ટનો નિર્ણય આવે તે પહેલાં સરકારના ઇશારે શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું હતું. પ્રો. પાઠકે આરોપ લગાવ્યો કે શ્રીવાસ્તવે નકલી ડિગ્રીના આધારે VC પદ મેળવ્યું, અને સરકારે તેમના શૈક્ષણિક દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરી ન હતી.

પ્રો. પાઠકે શિક્ષણ વિભાગમાં RTI દ્વારા શ્રીવાસ્તવના શૈક્ષણિક રેકોર્ડની માહિતી માગી હતી, જેમાં વિભાગે જણાવ્યું કે તેમના ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ નથી. ચોંકાવનારી વાત એ છે કે, શ્રીવાસ્તવે શિક્ષણ વિભાગ કે યુનિવર્સિટીમાં કોઈ શૈક્ષણિક દસ્તાવેજો જમા કર્યા ન હતા, અને માત્ર બાયોડેટાના આધારે તેમને VC બનાવવામાં આવ્યા. આ ઘટનાએ રાજ્ય સરકારની નિમણૂક પ્રક્રિયા અને ચકાસણી વ્યવસ્થાની ગંભીર ખામીઓને ઉજાગર કરી છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા, જણાવીને કે વિજય શ્રીવાસ્તવ સામે યોગ્ય તપાસ ન કરવામાં આવી અને તેમને રાજીનામું આપીને બચાવી લેવાયા. તેમણે એમ.એસ. યુનિવર્સિટીના અન્ય વિવાદો અને પૂર્વ VC પરિમલ વ્યાસના મુદ્દે પણ તપાસની માગ કરી. આ ઘટનાએ શિક્ષણ વિભાગની પારદર્શિતા પર સવાલો ઉઠાવ્યા છે, અને શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ સહિત કડક કાર્યવાહીની માગ ઉઠી રહી છે.

આપણ વાંચો:  બોઈલર નિરીક્ષણ ફી થકી સરકારને રૂ. ૩૬ કરોડથી વધુની આવક પણ થઈ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button