યુનાઇટેડ વે ગરબા પાસ વિતરણમાં બબાલ: વડોદરામાં ધક્કામુક્કી થતાં ત્રણ ઇજાગ્રસ્ત

વડોદરા: વડોદરામાં ગુજરાતના સૌથી મોટા ગરબાનું આયોજન કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં ખેલૈયાઓ રૂપિયા ખર્ચીને ગરબા રમવા માટે જતા હોય છે. વડોદરામાં યોજાતા યુનાઇટેડ વે ગરબા માટે પાસ વિતરણ દરમિયાન ભારે અફરાતફરી મચી હતી. અલ્કાપુરી ક્લબ ખાતે એકસાથે 4000થી વધુ ખેલૈયાઓ પહોંચતા ધક્કામુક્કીનો માહોલ સર્જાયો હતો. મામલે એટલો ઉગ્ર બન્યો હતો કે, દરવાજાના કાચ તૂટી જતા 3 થી 4 લોકોને ઈજા પણ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સત્વરે 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
દર વર્ષે કુરિયર દ્વારા પાસ મોકલવામાં આવતા હતાઃ ખેલૈયાઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, વધતી ભીડના કારણે તાત્કાલિક પોલીસ બોલાવીને સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. પાસ લેવા માટે પહોંચેલા ખેલૈયાઓએ આક્ષેપ કર્યો હતો કે રૂપિયા 5500 જેટલો ખર્ચ કરીને પાસ લેવા છતાં તેમને કોઈ સુવિધા આપવામાં આવતી નથી. દર વર્ષે કુરિયર દ્વારા પાસ મોકલી આપવામાં આવતા હતાં. પરંતુ આ વર્ષે તમામને સ્વયં આવીને પાસ લેવા સૂચના આપવા કારણે ભારે ભીડ એકઠી થઈ હતી. હજારોની સંખ્યામાં એકસાથે લોકોએ પાસ મેળવવા પહોંચતા અફરાતફરી સર્જાઈ હતી. જેના કારણે આયોજકો પર લોકોએ બળાપો કાઢ્યો હતો.
આ પણ વાંચો : બેકારી વકરીઃ નોકરી મેળવવા બેરોજગાર યુવાનોમાં ધક્કામુક્કી, રેલિંગ તૂટવાનો વીડિયો વાઈરલ
આયોજકોએ ખેલૈયાઓને પાસ અંગે આપ્યું આશ્વાસન
આ મામલે આયોજકોએ ખેલૈયાઓને શાંત કરાવ્યાં હતા. આ સાથે એવી જાહેરાત પણ કરી હતી કે જેમણે ઓનલાઈન બુકિંગ કરાવ્યું છે, તેમને ક્યુઆર કોડ સ્કેન કરીને ગરબા ગ્રાઉન્ડ ખાતે સીધી એન્ટ્રી આપવામાં આવશે. જો કે ખેલૈયાઓએ આ વાયદા પર વિશ્વાસ ના હોવાથી પાસ લેવા માટે માંગણી કરી હતી. હાલ આયોજકો ગરબા ગ્રાઉન્ડ પર જ પાસ વિતરણ શરૂ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે.