વડોદરા

રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉચ્ચ અધિકારીઓ સામે લાચાર: ગોપાલ ઇટાલીયાના સરકાર પર પ્રહાર

વડોદરાઃ વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ અધિકારીઓ તેમનું કામ નથી કરતા અને અવગણના કરે છે તેવી ફરિયાદ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. અધિકારીઓ અવગણના અને કામકાજમાં બેદરકારી અંગે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હોવાની ઘટના બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતનો વિપક્ષ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યો છે. તેવામાં હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ પર નિશાન સાધ્યું અને વાક્ પ્રહાર કર્યાં છે.

શું ગુજરાતમાં ધારાસભ્યોની વાત અધિકારીઓ સાંભળતા નથી?

ગોપાલ ઇટાલીયાએ આ ઘટનાને ગુજરાતની શાસનવ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ દર્શાવતી ગણાવી અને કહ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉચ્ચ અધિકારીઓ સામે લાચાર જણાઈ આવે તે ઘટના કોઈ નવી નથી, પરંતુ વર્ષોથી ચાલતી આવતી વ્યવસ્થાત્મક નિષ્ફળતાનું પ્રતિબિંબ છે. વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં અગાઉ પણ અનેક ધારાસભ્યોએ અધિકારીઓ સાંભળતા નથી તેવી ફરિયાદો કરી છે. સુરત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના ધારાસભ્યો આ મુદ્દે ખુલ્લેઆમ રજૂઆતો કરી ચૂક્યા છે. જ્યારે મામલતદાર સ્તરે વાત ન સાંભળવામાં આવે અને સચિવ સ્તર સુધી પણ ફરિયાદો પહોંચી ન શકે, ત્યારે સ્પષ્ટ થાય છે કે સમગ્ર વહીવટી તંત્ર જન પ્રતિનિધિઓની પકડ બહાર જઈ ચૂક્યું છે.

ઇટાલીયાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, “જો ધારાસભ્યને પોતાની વાત સાંભળાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવો પડે, તો મુખ્યમંત્રી પછી કોને પત્ર લખશે?” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વાસ્તવિકતા એવી છે કે મુખ્યમંત્રી પોતે પણ આવી જ સ્થિતિમાં છે અને અધિકારીઓ પર તેમનો પણ પૂરતો નિયંત્રણ રહ્યો નથી. આગળ બોલતાં ગોપાલ ઇટાલીયાએ રાજ્ય સરકારને સંપૂર્ણ રીતે “ડામાડોલ” ગણાવી હતી.

શાસન ભગવાન ભરોસે ચાલતું હોવાનો આક્ષેપ

ગોપાલ ઇટાલીયએ વધુમાં કહ્યું હતું કે, સરકારમાં કોઈ માલિક નથી, શાસન ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. નિર્ણય પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે અને અધિકારીઓ મનમાની રીતે કામ કરી રહ્યા છે. આ કારણે જનતાની સમસ્યાઓનો ઉકેલ થતો નથી અને અંતે ધારાસભ્યોને જ ફરી ફરી ધ્યાન દોરવું પડે છે. ઇટાલીયાએ ભાજપ સરકાર પર સીધો સવાલ ઉઠાવતા કહ્યું કે જ્યારે ભાજપના ધારાસભ્યોને જ અધિકારીઓ ન સાંભળતા હોય, તો સામાન્ય જનતાની હાલત શું હશે તેની કલ્પના કરી શકાય. તેમણે કહ્યું કે જનતા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો બેબસ બની જાય, તો લોકશાહીના મૂળ સ્તંભોને ગંભીર ખતરો ઊભો થાય છે.

આ સમગ્ર ઘટનાને લઇ ગોપાલ ઇટાલીયાએ સરકારને આત્મમંથન કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે, જો સમયસર વ્યવસ્થામાં સુધારા નહીં થાય, તો આવનારા દિવસોમાં જનઆક્રોશ વધુ તીવ્ર બનશે. તેમણે અંતમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી આવા મુદ્દાઓને સતત ઉજાગર કરતી રહેશે અને જનતાના હક માટે અવાજ ઉઠાવતી રહેશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button