
વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા-સાકરદા રોડ પર આવેલા મોક્સી ગામ પાસેની રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામર કંપનીમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આગની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે. ટેન્કરમાં ડામર જામ થઈ જતા ટેન્કરને ગરમ કરીને બહાર કાઢતી વેળાએ ટેન્કરનું ઢાંકણું ખોલવાનું રહી ગયું હતું. જેના કારણે ગેસના પ્રેશરથી ટેન્કર ફાટતા ટેન્કર ચાલક, ક્લીનર અને મજૂર સહિત ત્રણના કરુણ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાંચો: અમદાવાદમાં હોનારત ટળીઃ ઈન્ડિગોની ફ્લાઈટમાં આગ લાગી, પાઈલટે ‘મેડે’ કોલે આપ્યો?
ટેન્કર ચાલક અને ક્લીનર સહિત ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત
ઘટનાની વાત કરવામાં આવે તો, રીતુ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ડામર લાવીને બેરલમાં ભરવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક ટેન્કરમાં ડામર જામ થઈ ગયો હતો. જામ થયેલા ડામરને બહાર કાઢવા માટે ટેન્કરને ગરમ કરવામાં આવી રહ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન ટેન્કરનું ઢાંકણું ખોલવાનું રહી જતાં અંદર ગેસનું પ્રેશર વધી ગયું હતું.
ગેસનું પ્રેશર વધી ગયું હોવાથી ટેન્કર ભયાનક રીતે ફાટ્યું હતું. આ વિસ્ફોટમાં ટેન્કરનો ચાલક, ક્લીનર અને ત્યાં હાજર એક મજૂર સહિત ત્રણ જણનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આપણ વાંચો: ઇન્ડોનેશિયામાં દરિયામાં મોટી દુર્ઘટના, મુસાફરો ભરેલા જહાજમાં આગ લાગી, અનેક લોકોને બચાવાયા…
ટેન્કરનું ઢાંકણું ખોલવાનું રહી જતા થયો ભયાનક બ્લાસ્ટ
આ મામલે ભાદરવા પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, સાંજે મોક્સી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ડામર ખાલી કરવા માટે આવેલી ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ આગ ફાટી નીકળી હતી.
ટેન્કરમાં ડામર જામ થઈ જતા ટેન્કરને ગરમ કરીને બહાર કાઢતી સમયે ટેન્કરનું ઢાંકણું ખોલવાનું રહી જતા ગેસના પ્રેશરથી ટેન્કર ફાટતા ટેન્કર ચાલક, ક્લીનર અને મજૂર સહિત 3ના કરુણ મોત થયું છે. આ મૃતકોમાં 1 વ્યક્તિ રાજસ્થાન અને બે ઉત્તર પ્રદેશ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.