વડોદરા પોલીસ ભવનમાંથી નકલી CBI અધિકારી ઝડપાયો: પોલીસે શરૂ કરી સઘન તપાસ

વડોદરા: આજકાલ અનેક જગ્યાએથી નકલી જજ, નકલી IAS તથા IPS, નકલી સરકારી કચેરીઓના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ કિસ્સામાં વધુ એક કિસ્સાનો ઉમેરો થયો છે. વડોદરાના પોલીસ ભવનની અંદરથી જ એક નકલી CBI અધિકારી પકડાયો છે. આ શખ્સ કોણ હતો અને તેણે નકલી ઓળખથી કેવી ગુનાહિત પ્રવૃત્તિ આચરી છે, આવો જાણીએ.
નકલી અધિકારી પાસેથી મળ્યા અનેક આઇકાર્ડ
વડોદરા પોલીસ ભવન ખાતે એક વ્યક્તિ CBI અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી રહ્યો હતો. જેના પર પોલીસે ચાંપતી નજર રાખી હતી. આખરે શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. નકલી CBI અધિકારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિનું નામ ઘનશ્યામ સંઘાણી હોવાનું સામે આવ્યું છે, જે વાસ્તવમાં કડિયાકામ સાથે સંકળાયેલો છે.

પોલીસ દ્વારા ઘનશ્યામ સંઘાણીની પોલીસે તેની તલાશી લેતા, તેની પાસેથી માત્ર CBI જ નહીં, પણ પોલીસ અધિકારી અને પત્રકારના બોગસ (નકલી) આઇકાર્ડ પણ મળી આવ્યા હતા. ઘનશ્યામ સંઘાણી આ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો અને કાયદાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરતો હતો.
પોલીસની સઘન તપાસ શરૂ
ઘનશ્યામ સંઘાણી નકલી CBI અધિકારીની ઓળખ આપીને પોલીસ ભવન સુધી શા માટે પહોંચ્યો હતો, તેના ઇરાદાઓ શું હતા, અને તેણે અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતર્યા છે, તે અંગે પોલીસે વિસ્તૃત તપાસ શરૂ કરી છે.
ઘનશ્યામ સંઘાણીને આ બોગસ આઇકાર્ડ ક્યાંથી મળ્યા અને આ ગુનાહિત કૃત્યમાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ? પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. આ ઘટનાએ પોલીસ અને જાહેર જનતાને બોગસ અધિકારીઓથી સાવધાન રહેવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં નકલીનો સિલસિલો યથાવત! અમદાવાદમાંથી વધુ 2 બોગસ અધિકારી ઝડપાયા
 
 
 
 


