વડોદરામાં ડુપ્લીકેટ નોટ અને સોનાનો પર્દાફાશ: 1.62 કરોડની નોટ અને 3 કિલો સોનું મળતા ચકચાર

વડોદરા: આજના સમયમાં બજારમાં નકલી વસ્તુઓ ફરતી થઈ ગઈ છે. જોકે, વડોદરા શહેરમાં ડુપ્લીકેટ વસ્તુઓના એક મોટા ઠગાઈના રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં મુખ્ય સૂત્રધાર ઇલિયાસ અજમેરી (રાજવીર પરીખ)ના ભાઈ ઇદ્રીશ અજમેરીના ઘરેથી રૂ. 1.62 કરોડની ડુપ્લીકેટ નોટો અને 3 કિલો ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલો શું છે, આવો જાણીએ.
4.92 કરોડ પડાવી કરીને છેતરપિંડી
આ સમગ્ર મામલો કર્ણાટક ખાતે રહેતા ફરિયાદી મંજુ આર રવિની ફરિયાદ પરથી સામે આવ્યો હતો. ફરિયાદીએ વડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મહિલા સહિતની ગેંગે તેમને સસ્તામાં સોનું આપવાના તથા રૂ. 10 કરોડની લોન પાસ કરાવવાના ખોટા વાયદા આપીને તેમની પાસેથી રૂ. 4.92 કરોડ પડાવીને છેતરપિંડી આચરી હતી. ફરિયાદના પગલે પોલીસ દ્વારા ઇલિયાસ અજમેરી તથા તેના ભાઈ ઇદ્રીશ અજમેરીના ઘરે તપાસ કરતા 1.62 કરોડની ડુપ્લીકેટ નોટો અને ત્રણ કિલો નકલી સોનાના બિસ્કિટ મળ્યા હતા. આ ઉપરાંત મુખ્ય આરોપી લોકોને નકલી પોલીસ બનીને ઠગાઈ આચરતો હોવાનું પણ બહાર આવ્યું હતું.
ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગુનો 21 તારીખે જે.પી. રોડ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ભરત પ્રજાપતિ અને વિરલ સાકરિયા નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર રાજવીર પરીખ ઉર્ફે ઇલ્યાસ અજમેરીના ઘરે તપાસ કરતા, ગુનાને લગતો મુદ્દામાલ તેના ભાઈ ઇદ્રીશના ઘરે મૂક્યો હોવાનું બહાર આવ્યું હતું, જ્યાંથી ડુપ્લીકેટ નોટો અને સોનું મળી આવ્યું હતું.
તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી ઇલિયાસ અજમેરી લોકોને નકલી પોલીસ તરીકેની ઓળખ આપીને ઠગાઈ આચરતો હતો. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, આ ઠગ ગેંગ વિરુદ્ધ અગાઉ પણ પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
19 આરોપીઓ સામે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, ફરિયાદી મંજુ આર રવિ પાસેથી રૂપિયા પડાવવા બદલ જે.પી. રોડ પોલીસે મુખ્ય આરોપીઓ વિશાલ વિનોદ બારડ, નયના મહિડા, રાજવીર પરીખ ઉર્ફે ઇલ્યાસ અજમેરી, રાજભાઇ, સુલતાન નામનો ડ્રાઇવર, વિરલ (ડોક્ટર) લાલાભાઇ, સમીરભાઇ, ગણેશ, હર્ષ શર્મા, શ્રીનિવાસન (ઇડીનો અધિકારી) સહિત અન્ય 19 લોકો સામે ઠગાઈની ફરિયાદ નોંધી છે અને તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આપણ વાંચો: અમદાવાદ એરપોર્ટ નજીકના બિલ્ડિંગોનો સર્વે પૂર્ણ, વિમાન ઉડ્ડયનને નડતરરૂપ 13 બાંધકામ તોડાશે



