નશામાં ધૂત કારચાલકે નિમેટા ગામે અકસ્માત સર્જ્યો: ગર્ભવતી મહિલાના બાળકનું ગર્ભમાં નીપજ્યું મોત

વડોદરા: વડોદરા-વાઘોડિયા રોડ પર નિમેટા ગામ પાસે એક કાર ચાલકે ટૂ વ્હીલરને અડફેટે લઈને ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં ગર્ભવતી મહિલા તેના પતિ અને પુત્રી નિમેટા ગામ પાસે પસાર થઈ રહી હતી. ત્યારે નશામાં ધૂત કાર ચાલકે ટુ-વ્હીલરને અડફેટે લીધી હતી. જેમાં રોડ પર પટકાતાં ગર્ભમાં રહેલા ગર્ભનું મોત થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા-વાઘોડિયા રોડ પર ટુ-વ્હીલર પર પતિ- ગર્ભવતી પત્ની અને 6 વર્ષની દીકરી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન નશામાં ધૂત કાર ચાલકે ટુ-વ્હીલરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ, પત્ની અને 6 વર્ષની દીકરી ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મહિલાને નવ માસનો ગર્ભ હતો અને તે નીચે પટકાતાં જ ગર્ભમાં બાળકનું મોત થયું હતું. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા મૃત બાળકનો જન્મ થતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો: પોર્શે કાર અકસ્માત: સમિતિએ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના બે સભ્ય સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ભલામણ કરી
વડોદરાના નિમેટા ગામમાં રહેતા રવિભાઈ સોલંકી અને તેમના પત્ની દિપીકાબેન સોલંકી ગતસાંજે તેમની 6 વર્ષની દીકરી કનિષાને લેવા માટે સરદાર એસ્ટેટ પાસે આવેલ રઘુકુલ વિદ્યાલય ખાતે ગયા હતા. જ્યાંથી દીકરીને લઈને પરત ફરી રહેલા પરિવારને સાંજે પોણા છ વાગ્યા આસપાસ આજવા રોડ પર નિમેટા પાસે મહિન્દ્રા TUV કારે રવિભાઈના સ્કૂટરને ટક્કર મારી હતી. ટક્કરથી પતિ-પત્ની અને દીકરી ત્રણેય ફંગોળાઈ જતાં ઇજાગ્રસ્ત થયા હતા. આથી ત્રણેય લોકોને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પરિવારજનોએ કહ્યું હતું કે રવિભાઈ સોલંકીને ફ્રેક્ચર થયું હોવાથી તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. તેમની દીકરીને પણ ફ્રેકચર થયું છે અને સાથે પેશાબની કોથળી પણ ફાટી ગઇ છે. દિપીકાબેન ગર્ભવતી હતા અને અકસ્માતમાં તેના ગર્ભમાં રહેલા બાળકનું મોત થતાં અમારા પરિવારે એક બાળક ગુમાવ્યું છે. આ દુર્ઘટના બાદ વાઘોડિયા પોલીસે દારૂના નશામાં ધુત કારચાલક વિજયસિંગ ગજેસિંગ રાજપૂરોહિત અને અન્ય એક શખ્સ સચિન રાજેન્દ્રભાઇ શાક્ય સામે ગુનો નોંધ્યો છે.