વડોદરામાં ઘરમાં ઘૂસી પરિણીતાની ગળે ટૂંપો આપી હત્યા કરાઇ હોવાની ફરિયાદ

વડોદરા : વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકમાં હત્યાનો વિચિત્ર ગુનો નોંધાયો છે. જેમાં એક મહિલાને તેના ઘરમાં ઘૂસીને ગળે ટૂંપો દઇને હત્યા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે મૃતકના પતિ ઘરે પહોંચ્યા ત્યારે તેમની પત્નીએ દરવાજો ખોલ્યો નહોતો . ત્યાર બાદ તે પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જેમાં પત્નીનો દેહ મળી આવ્યો હતો.
ફરિયાદી અને અફસાના બાનુના નિકાહ થયા હતા
કરજણ પોલીસ મથકમાં મોહંમદઆરીફ ખાન ફતેમોહંમદ ખાનએ નોંધાવેલી ફરિયાદ મુજબ આઠ વર્ષ પહેલા તેના પહેલા નિકાહ થયા હતા. બંને વચ્ચે અણબનાવના કારણે તેમણે સમય જતા બીજા નિકાહ કરી લીધા હતા. ચાર મહિના પહેલા સંમતિથી ફરિયાદી અને અફસાના બાનુના નિકાહ થયા હતા. બાદમાં તે વતન ઉત્તરપ્રદેશથી વડોદરા લઇ આવ્યા હતા. ફરિયાદી સવારે ટીફીન લઇને ઘરેથી કામ પર જવા માટે નીકળી જતા અને રાત્રે પરત આવતા હતા.
પત્ની વચ્ચે ફોન પર વાતો થઇ હતી
તાજેતરમાં કામ પર ગયા બાદ ફરિયાદી અને તેમની પત્ની વચ્ચે ફોન પર વાતો થઇ હતી. પત્નીએ તેમને રાત્રે ઘરે વહેલા આવવા માટે જણાવ્યું હતું. ફરિયાદીએ ઘરે જવા માટે નીકળતા પહેલા ફોન કર્યો હતો, પણ તેમણે રીસીવ કર્યો ન હોતો.
આખરે ઘરે જઇને દરવાજો ખખડાવતા અંદરથી કોઇ જવાબ આવ્યો ન હતો.
આ પણ વાંચો: માતાએ ઠપકો આપતા વડોદરામાં 16 વર્ષની વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું
ડ્રેસનો દુપટ્ટો ગાંઠ મારેલો વીંટળાયેલો હતો
ફરિયાદી પોતાના ઘરના પાછળના ભાગેથી પ્રવેશ કર્યો હતો. જ્યાં જઇને જોતા રસોડામાં અફસાના પડેલી હતી અને પંખો ચાલુ હતો. તેના મોંઢામાંથી લોહી નીકળતું હતું. તથા તેના ગળાના ભારે ડ્રેસનો દુપટ્ટો ગાંઠ મારેલો વીંટળાયેલો હતો અને ફાંસી લાગી હતી. બાદમાં ફળિયામાંથી કોઇએ 108ને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા. તેમણે આવીને તપાસ કરતા મહિલાને મૃત જાહેર કરી હતી. આખરે ઉપરોક્ત મામલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.