બોટ પર પ્રતિબંધ અને ગંભીરા બ્રીજ તૂટી ગયોઃ ગામડાના લોકોનું પરિવહન છીનવાયુ, રોજીરોટીનું શું?

વડોદરા: આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ થોડા સમય પહેલા પડી ભાંગ્યો હતો. આ બ્રિજ અકસ્માતની ઘટનામાં 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ બંને જિલ્લા વચ્ચેના અંતરાયળ ગામ માટે તાપી નદી પાર કરવા માટે એક માત્ર ઉપાય બોટ હતો. આ જળ વ્યવહાર પણ ઠપ થઈ જતા લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંભીરા પુલ 9 જુલાઈએ ધરાશાયી થયા બાદ નજીકના ગામોના રહેવાસીઓ, ખેતમજૂરો અને ફેક્ટરી કામદારો બોટના માધ્યમથી નદી પાર કરતા હતા. પરંતુ આણંદ જિલ્લા કલેક્ટરના આદેશથી હવે બોટ પરિવહન પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
આણંદ જિલ્લાના ગામના લોકો વેપાર ધંધા અર્થે દરરોજ બીજા ગામની મુસાફરી કરતા હતા. પુલ તૂટ્યા બાદ તેઓ સ્થાનિક માછીમારોની બોટ દ્વારા 700 મીટરનું અંતર પાર કરતા હતા. જોકે, ગુજરાત સરકારે ગયા વર્ષે હરણી તળાવમાં બોટ ડૂબવાની ઘટના બાદ નવા નિયમો લાગુ કર્યા, જે અનુસાર તમામ બોટ ધારકોને જિલ્લા કલેક્ટર કચેરીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે અને સલામતી નિરીક્ષણ બાદ જ પેસેન્જરોની હેરફેર થઈ શકે છે. તાપી નદી પર પેસેન્જરોની હેરફેર માટે આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નિયમોનું કડક પાલન કરાવવાની પોલીસ અને ગામના પંચાયતોને સૂચના આપી હતી.
ગ્રામજનોની મુશ્કેલી
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝનમાં તાપી નદીમાં અચનાક પાણીનો પ્રવાહ વધાવાની શક્યાતાઓ રહે છે. જેને ધ્યાને રાખી બિનઅધિકૃત જળ પરિવહન જોખમી સાબિત થઈ શકે છે. આ મામલે આણંદના કલેક્ટરે જણાવ્યું કે કોઈ પણ દુર્ઘટનાની રાહ જોઈ શકાય નહીં. જોકે, આનાથી ગ્રામજનોને ભારે અગવડ પડી રહી છે. સ્થાનિકો મત પ્રમાણે વૈકલ્પિક રસ્તા પર મુસાફરોને બે કલાકથી વધુનો સમય લાગે છે. આ સાથે મુસાફરીનું અંતર 45 કિલોમીટર જેટલું વધી જાય છે. ઉપરાંત રૂ. 200નો પેટ્રોલ ખર્ચ થાય છે. બોટ દ્વારા મુસાફરી માત્ર રૂ. 40માં અને ઓછા સમયમાં થઈ શકતી હતી. ગ્રામજનો હવે સરકાર પાસેથી જ્યાં સુધી નવો પુલ ન બને ત્યાં સુધી સલામત અને નિયમિત બોટની વ્યવસ્થા કરવાની માગ કરી રહ્યા છે.
સમસ્યા ત્યારે વધુ ગંભીર બની જ્યારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ઉમેટા પુલ પણ સલામતીના કારણોસર ભારે વાહનો માટે બંધ કરાયો. હવે આ વાહનો વસદ થઈને પસાર થાય છે, જ્યાં ટ્રાફિક જામ અને ખરાબ રસ્તાઓને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આણંદના સાંસદ મિતેશ પટેલે આ સમસ્યાના ઉકેલ માટે કઠાણા-વડોદરા પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરવાની માગ કરી છે, જે કોવિડ-19ની મહામારી બાદ બંધ થઈ હતી. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને જણાવ્યું કે આ ટ્રેન 25થી વધુ ગામોને જોડે છે અને તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાલમાં અસ્તિત્વમાં છે, જેને ફક્ત નવીનીકરણની જરૂર છે.
આ પણ વાંચો….ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ACB તપાસ કરશે! R&Bના અધિકારીઓની અપ્રમાણસર મિલકતની ચકાસણી થશે