વડાપ્રધાન મોદીના રોડ શોમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને ₹4.5 લાખની સહાય

Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના પહેલા દિવસ સોમવારે વડોદરામાં ‘સિંદૂર સન્માન યાત્રા’ રોડ શો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત હોમગાર્ડ જવાન નિતેશભાઇ જરીયાને ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હોમગાર્ડ જવાનનો પરિવાર નિરાધાર બન્યો હતો, મૃતક હોમગાર્ડ જવાનના પરિવારને મંગળવારે રૂ.4,05,000 ની સહાય આપવામાં આવી હતી.
ફરજ દરમિયાન હોમગાર્ડસના જવાનનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે તેના પરિવારને માત્ર રૂ.5,000 આપવામાં આવતા હોય છે. પરંતુ આ નિતેશભાઇના મૃત્યુને ખાસ કિસ્સા તરીકે વધારાના રૂ.4,00,00 આપવામાં આવ્યા છે.
આપણ વાંચો: વડોદરામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, સિંદૂર સન્માન યાત્રાએ જમાવ્યું આકર્ષણ, જુઓ તસવીરો…
અહેવાલ મુજબ નિતેશભાઇના મૃત્યુ બાદ તેમના ઘરમાં કોઈ કમાનાર વ્યક્તિ નથી. નિતેશભાઇના પત્ની ઘરકામ કરે છે જ્યારે એક વર્ષનું બાળક પણ છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે ગુજરાતના વિધાનસભાના દંડક બાળું શુકલને રજૂઆત કરી હતી કે આ કિસ્સાને ખાસ કિસ્સો ગણવામાં આવે. તેમણે મુખ્યપ્રધાનને જાણ કરી, ત્યાર બાદ રાજ્ય સરકાર તરફથી રૂ.2 લાખ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરફથી રૂ.2 લાખની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: આરએસએસ વડા મોહન ભાગવતનું ઓપરેશન સિંદૂર પર નિવેદન, કહ્યું જરૂરી હતું, સેનાને અભિનંદન
મંગળવારે નિતેશભાઇના પત્નીને રૂ.4,05,000નો ચેક આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મૃતક નિતેશભાઇના ભાઈને નોકરી આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ લક્ષ્મીપુરા ગામના રહેવાસી 29 વર્ષીય નિતેશભાઇ જરીયા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને ધ્યાનમાં રાખીને તેમને બે દિવસ સુરક્ષા ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતાં.
તેઓ ફરજ બજાવી રહ્યા હતાં, ત્યારે સવારે 8:00 વાગે તેમને અચાનક છાતીમાં દુઃખાવો થવાની તકલીફ થઇ હતી, સાથી કર્મચારીઓ તેમણે હોસ્પિટલમાં લાગી ગયા. ફરજ પર હાજર ડોક્ટરોના પ્રયાસ છતાં તેમનો જીવ બચી શક્યો નહીં, પ્રાથમિક અહેવાલ મુજબ હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હતું.