શ્વાનને સમજવાની જરૂર: વડોદરામાં બાળકોને ડર વગર શ્વાન સાથે રહેવાની અપાય છે તાલીમ

વડોદરા: રખડતા શ્વાન આજે રાષ્ટ્રીય મુદ્દો બની ગયા છે. દિલ્હી મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનને પકડવાની જાહેરાત કરતા ડોગ લવર્સ તથા જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. રખડતા શ્વાનનું અચાનક આક્રમક બનવું એ દિલ્હી મહાનગરપાલિકાના નિર્ણય પાછળનું કારણ છે. પરંતુ જો રખડતા શ્વાન સાથે કેવી રીતે વર્તન કરવું એ શીખી લેવામાં આવે તો શ્વાન આક્રમક થશે નહીં. શ્વાન સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ વડોદરાની એક આંગણવાડીમાં બાળકોને શીખવવામાં
આવે છે.
શ્વાનનું પ્રશિક્ષણ આપતો ‘અભય સંકલ્પ’ પ્રોજેક્ટ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સ(HWA)નામની સંસ્થા સાથે મળીને ‘અભય સંકલ્પ’ નામનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ બાળકોને શ્વાનને સમજવાની તથા સુરક્ષીત રીતે તેઓને ક્રિયાપ્રતિક્રિયા કરવાનું શીખવવામાં આવે છે. 2023માં જ્યારે બાળકોને શ્વાન કરડવાના કિસ્સા વધ્યા હતા, ત્યારે સિવિક બોડી અને હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સ નામની સંસ્થાએ આંગણવાડીમાાં જઈને બાળકોને આ અંગે શિક્ષણ આપવાનો નિર્ણય લીધો હતો.
‘અભય સંકલ્પ’ પ્રોજેક્ટના પરિણામે શહેરના બાવનપુરા વિસ્તારની આંગણવાડીમાં શ્વાન બાળકોની વચ્ચે આવીને બેસે છે. કારણ કે અહીં તેને કોઈ ઉપેક્ષિત નજરે જોવાને બદલે પ્રેમપૂર્વક આવકાર આપીને બેસાડવામાં આવે છે. હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સના સ્વયંસેવકો નસબંધી માટે લાવેલા શ્વાનને લઈને આંગણવાડીમાં જાય છે અને બાળકોને રમતગમત, પ્રદર્શન અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શ્વાન સાથે કેવી રીતે વર્તન કરવું તે શીખવે છે.
શ્વાન પાસે અચાનક કેવી રીતે જવું? તેનો વિશ્વાસ કેવી રીતે જીતી શકાય? શ્વાનને કેવી રીતે અડવું કે જેથી તે આક્રમક બને નહીં? વગેરે જેવી બાબતો સ્વયંસેવકો દ્વારા શીખવવામાં આવે છે. બાળકોને પ્રશિક્ષણ આપીને તે શ્વાનને પણ એજ વિસ્તારમાં છોડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ‘અભય સંકલ્પ’ પ્રોજેક્ટ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં 4150 લોકો અને વધુ પ્રમાણમાં બાળકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો…રખડતા શ્વાનો મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ બદલ્યો; જાણો કોર્ટે શું કહ્યું