દુર્ઘટના બાદ તંત્રએ વાહનોની અવરજવર માટે કરી આ વ્યવસ્થાઃ જાણો નવો રૂટ
ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા

વડોદરાઃ ગુજરાતમાં મોટાભાગે જ્યારે કોઈ દુર્ઘટના થયા બાદ જ તંત્ર જાગે છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તુટી ગયેલ હોય જેના પરીણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવા કરવામાં આવ્યો છે. તારીખ 9મી જુલાઈ એટલે કે આજથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.

અત્ર ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પ્રતિબંધીત રૂટ જોઈએ તો પાદરા આણંદને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ તથા ઉમેટા બ્રીજ ભારે વાહનો માટે પ્રતિબંધીત કરવામાં આવ્યો છે.
વૈકલ્પિક માર્ગો પર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો
ડાયવર્ટેડ કરેલ રૂટની વિગતો જોઈએ તો, તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટનું ડાયવર્ટ કરાયો છે. આ સાથે બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં,પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રીજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવા અને મોટા વાહનોને વાસદ થઈને નિકળવા જણાવવામાં આવ્યું છે. જો આ હુકમનો ભંગ કરવામાં આવશે તો તે વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ ગુનો નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત છેલ્લા 19 વર્ષમાં આ 14 બ્રિજ તૂટ્યા
વર્ષ બ્રિજનું નામ જિલ્લો
2024 ગંભીરા બ્રિજ વડોદરા
2022 માધાપર ચોકડી રાજકોટ
2022 બોપલ રીંગ રોડ મુમતપુરા
2022 બોરસદ ચોકડી આણંદ
2022 હાંડોડ લુણાવાડા
2022 નાંદેલાવ ભરૂચ
2022 ઉંઝા હાઇવે મહેસાણા
2022 સિઘરોટ વડોદરા
2021 શાંતિપુરા અમદાવાદ
2020 આજીડેમ ચોકડી રાજકોટ
2020 મહેસાણા બાયપાસ મહેસાણા
2019 સટોડાક ગામ રાજકોટ
2016 પીપલોદ ફલાયઓવર સુરત
2009 ઉધના દરવાજા સુરત
આપણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 9ના મોત! મૃત્યુઆંક હજી પણ વધે તેવી શક્યતા, બચાવ કાર્ય પૂરજોશમાં
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્રએ સાવચેતીના પગલા ભરતા બ્રિજ પર અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. જેના માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. આજે વહેલી સવારે આણંદ-વડોદરા વચ્ચે પાદરા નજીક ગંભીરા પાસે નદી પરનો બ્રિજનો બે પીલર વચ્ચેનો સ્લેબ અચાનક તૂટી પડ્યો અને સીધો નદીમાં ખાબક્યો. જેના કારણે ચાર વાહનો નદીમાં ખાબક્યાં છે. અત્યાર સુધીમાં 9 લોકોનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યારે 8 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે.