ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી: 250 લોકોને વડોદરાથી ઢાકા રવાના કર્યાં

વડોદરા: પહલગામ હુમલા બાદ દેશમાં ગેરકાયદેસર રહેતા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વડોદરામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા એરફોર્સ સ્ટેશનથી ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં 250 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઢાકા મોકલવામાં આવ્યા છે.

વડોદરાથી બાંગ્લાદેશીઓને ઢાકા મોકલવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. 250 બાંગ્લાદેશી ઘુસણખોરોને બસ દ્વારા એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. અમેરિકન સ્ટાઈલમાં બાંગ્લાદેશીઓને ચારેતરફથી દોરડાથી ઘેરીને વિમાનમાં બેસાડાયા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે તેઓને હાથકડી પણ પહેરાવવામાં આવી હતી.

ગુજરાત ATSની દોરવણીથી આ ડિપોર્ટેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી રાજ્યમાં ગેરકાયદેસર ઘુસણખોરો સામેના મોટા અભિયાનનો એક ભાગ છે. છેલ્લા બે મહિનામાં 1200 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને તેમના દેશમાં પાછા મોકલવામાં આવ્યા છે.
આપણ વાંચો: વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બ વિસ્ફોટની ધમકી, 12 દિવસમાં ત્રીજી ઘટના, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

પહલગામ હુમલા બાદ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય ઓળખ કાર્ડ તપાસી તેની ઓળખ કરવાની કામગીરી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 26 એપ્રિલના રોજ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી હતી. અમદાવાદના ચંડોળા તળાવ પાસે બાંગ્લાદેશીઓના 8000 જેટલા ગેરકાયદેસર બાંધકામો મળી આવ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.