
વડોદરા: વડોદરામાં મહીસાગર નદી પર બનેલો ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ મામલે અધિકારીઓ સામે એસીબી તપાસ કરશે તેવું જાણવા મળ્યું છે. અધિકારીઓની જે મિલકતો છે તેમાંથી કેટલી મિલકત અપ્રમાણસર છે તેની સામે તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ ચાર અધિકારીઓ સસ્પેન્ડ થયેલા છે તેમાંથી ત્રણ અધિકારીઓ સામે તપાસ કરવામાં આવશે. આ બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોનું મોત થયું હતું. તેમ છતાં પણ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હવે આ મામલે એસીબી તપાસ કરશે તેવું જાણવા મળ્યું છે.
અધિકારીઓની શંકાસ્પદ મિકલતની તપાસ થશે
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એસીબીની ટીમ કાર્યપાલક ઈજનેર યુસી પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર આરટી પટેલ, મદદનીશ ઈજનેર જેવી શાહ સામે તપાસ કરવાની છે. આ તમામ અધિકારીઓ સામે તપાસ કરવા માટે કચેરી પાસે માંગણી કરવામાં આવી છે. જ્યારે મંજૂરી આપવામાં આવશે ત્યારે તપાસ શરૂ કરવામાં આવશે. આ અધિકારીઓ પાસે તેમના પગારની સામે કેટલી મિકલત એવી છે તેને પગારની પ્રમાણમાં શંકાસ્પદ લાગે છે. આ અંગે તપાસ કરીને તેનો રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવશે.
આપણ વાંચો: શિક્ષકો હવે મેળામાં VVIP લોકો માટે ભોજન વ્યવસ્થાની કરશે! SDMનો આદેશ ચર્ચાનો વિષય બન્યો
સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જે લોકોનું મોત થયું છે તેમના રાજ્ય સરકાર દ્વારા 4 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકોને 50 હજારની સહાય આપાવમાં આવી છે. આ પરિવારોને છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનાના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. મળતી જાણકારી પ્રમાણે કુલ 62 લાખ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. બ્રિજ દુર્ઘટના બન્યાં બાદ તંત્ર દ્વારા ગુજરાતના અન્ય બ્રિજ જે જર્જરિત હાલતમાં હતા તેવા 20 બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કોઈ દુર્ઘટના ના બને તેવા આશય સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગંભીરા બ્રિજની ઘટનામાં અનેક લોકોનું નદીમાં ખાબકતા મોત થયું હતું. જેથી સાવચેતીના પગલા લેવા અનિવાર્ય હતાં.