પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાતા તંત્ર થયું દોડતું, ત્રણ બાળકોના મોત

પંચમહાલ: ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે. 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસોના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ચોમાસાની ઋતુમાં સેન્ડ ફ્લાય માખીઓ દ્વારા ફેલાતો આ ગંભીર વાઈરસ ફરી સક્રિય થયો છે, જે ખાસ કરીને બાળકોને નિશાન બનાવે છે. છેલ્લા એક સપ્તાહમાં જિલ્લામાં ચાર શંકાસ્પદ કેસ નોંધાયા, જેમાંથી ત્રણ બાળકોના મોત થયા છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને આરોગ્ય ટીમોને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે.
આ ચાર કેસમાંથી ત્રણ બાળકોના મોત તાવ અને ખેંચના કારણે થયા હોવાનું જણાવા મળ્યું છે, જોકે ચાંદીપુરા વાઈરસના ચોક્કસ લક્ષણો આ દર્દીઓમાં જોવા મળ્યા નથી. આ તમામ બાળકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોધરા તાલુકાના ડોકવા ગામનું એક બાળક હાલ તાવ અને ખેંચની સારવાર હેઠળ છે, અને તેનું ટેસ્ટ કરવામાં આ રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પુડ્ડુચેરી અને પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)ની ટીમો પંચમહાલ પહોંચી છે.
આ ટીમો રાજ્યના આરોગ્ય વિભાગ સાથે મળીને વાઈરસના ફેલાવાના કારણો, તેની અસર અને નિયંત્રણના પગલાં પર તપાસ કરી રહી છે. વિસ્તારમાંથી ટેસ્ટ સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે, અને સેન્ડ ફ્લાય માખીઓને નાબૂદ કરવા માટે જંતુનાશકોનો છંટકાવ શરૂ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓએ ગામડાઓમાં ઘરે-ઘરે સર્વેલન્સ અને જાગૃતિ અભિયાનો શરૂ કર્યા છે. આરોગ્ય વિભાગે શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોને પણ શંકાસ્પદ કેસોની જાણ કરવા સૂચના આપી છે.
ચાંદીપુરા વાઈરસ એક ગંભીર વાઈરલ ચેપ છે, જે મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. તેના લક્ષણોમાં અચાનક તેજ તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને ગંભીર કેસોમાં મગજનો સોજો જોવા મળે છે. આ વાઈરસ સેન્ડ ફ્લાય માખીઓ દ્વારા ફેલાય છે અને ચોમાસા દરમિયાન તેનો પ્રકોપ વધે છે. હાલમાં આ વાઈરસની કોઈ ચોક્કસ સારવાર કે રસી ઉપલબ્ધ નથી, પરંતુ વહેલી તકે નિદાન અને સહાયક સારવારથી જીવન બચાવી શકાય છે.
લોકોને સાવચેતી રાખવા અને બાળકોને મચ્છર કે સેન્ડ ફ્લાય માખીઓના કરડવાથી બચાવવા અપીલ કરવામાં આવી છે. ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, પાણીનો ભરાવો ન થવા દેવો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો જરૂરી છે. આરોગ્ય વિભાગે લોકોને કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો…ચીનમાં ચામાચિડીયામાં 20 નવા વાયરસ? અભ્યાસમાં થયો ખુલાસો