પંચમહાલનો પાનમ ડેમ ઓવરફ્લો! 1.65 લાખ ક્યુસેક પાણી છોડાતા 24 ગામોને એલર્ટ કરાયા

પંચમહાલ: તાલુકાના પાનમ ડેમમાં સતત વરસાદના પગલે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ગઈ કાલે 12 વાગ્યે જળસ્તર 127.20 મીટર નોંધાયું હતું. રૂલ લેવલ 127.41 મીટર હોવાથી ડેમના 8 દરવાજા 4.57 મીટર સુધી ખોલી 1,65,133 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી પાણી છોડવામાં આવતા તેની સીધી અસર ત્રણ જિલ્લાનાં કુલ 24 ગામોને પડવાની શક્યતાઓ છે. જેથી તે 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.
આ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યાં
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રામજીની નાળ, લીંક અને ઉંડારા, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોર અને બાલુજીના મુવાડા સહિત 5 ગામો, લુણાવાડા તાલુકામાં ચોપડા, વેરામા સહિત 17 ગામો તેમજ ખાનપુર તાલુકાના પંડારડા અને નાનીચરેલ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યાં હતાં. ખાસ કરીને મહીસાગર જિલ્લાના સંતરામપુર અને લુણાવાડાના કુલ 22 ગામો, તેમજ ખાનપુરના પંડારડા, નાનીચરેલ ગામો માટે સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાના કારણે પરિસ્થિતિ ગંભીર બની શકે છે. વહીવટી તંત્ર તથા સંબંધિત અધિકારીઓ-કચેરીઓ હાઈ એલર્ટ પર હાલ છે અને નાગરિકોને સાવચેત રહેવા તથા તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં માટે અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: જૂનાગઢ, પોરબંદર અને ભાવનગર જળબંબાકાર, ડેમ છલકાયા, બોટ ડૂબતા માછીમારો ગુમ