દશેરાના દિવસે ગોધરામાં 'દાદા'નું બુલડોઝર ચાલ્યુંઃ અસમાજિક તત્વો અને ઓરોપીના ઘર સહિત 35 બાંધકામ જમીનદોસ્ત | મુંબઈ સમાચાર
પંચમહાલ

દશેરાના દિવસે ગોધરામાં ‘દાદા’નું બુલડોઝર ચાલ્યુંઃ અસમાજિક તત્વો અને ઓરોપીના ઘર સહિત 35 બાંધકામ જમીનદોસ્ત

પંચમહાલ: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે અસામાજિક તત્વો અને ગુનેગારો વિરુદ્ધ સખત કાર્યવાહી ચલાવવાની સાથે સાથે હવે રાજ્યમાં અસામાજિક તત્વોની વિરુદ્ધ રાજ્ય સરકાર વધુ આક્રમક કાર્યવાહી કરી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આજે દશેરાના દિવસે અસમાજિક તત્વો દ્વારા બાંધેલી લંકાને તંત્ર દ્વારા તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અસામાજિક તત્વો અને આરોપીઓ દ્વારા કરેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરાના પશ્ચિમ વિસ્તારના નાગા તલાવડી વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વિજયાદશમીનો પવિત્ર દિવસ જે સત્યની જીતનું પ્રતીક છે, તે દિવસે પંચમહાલના ગોધરામાં અસત્યના દબાણો પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામો કરનારા અસામાજિક તત્વો સામે પ્રશાસને કડક કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રોની જાણકારી પ્રમાણે ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિગ્નલ ફળિયા નજીક નાગા તલાવડીમાં વહેલી સવારથી બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ કામગીરીમાં સરકારી જમીન પર બનેલા લગભગ 35 કાચા અને પાકા મકાનો ધ્વસ્ત કરવામાં આવ્યા, જેમાંથી 10થી વધુ પાકા બાંધકામો જમીનદોસ્ત થયા. આ કાર્યવાહીમાં પોલીસ, રેવેન્યુ, નગરપાલિકા, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ તેમ જ મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમો સામેલ હતી, અને ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહી ખાસ કરીને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો અને આરોપીઓ સામે હાથ ધરવામાં આવી હતી. નાગા તલાવડીમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો કરનારાઓમાં એવા વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે, જેણે આ વર્ષે માર્ચમાં ગોધરાના ભામૈયા ગામના શિવ મંદિરમાં ચોરી અને તોડફોડની ઘટનાઓ આચરી હતી. પંચમહાલ જિલ્લા પોલીસે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ કર્યું કે ગેરકાયદે બાંધકામો અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કોઈ ઢીલાશ દાખવવામાં નહીં આવે.

પોલીસ અધિકારીઓ પ્રમાણે આ કાર્યવાહી વિજયાદશમીના પવિત્ર દિવસે અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સ્વરૂપે હાથ ધરવામા આવી છે. પોલીસે ચેતવણી પણ આપી કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લે અથવા અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે, તો તેની સામે આ જ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીએ અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર અતિક્રમણ કે ગેરકાયદે પ્રવૃત્તિઓને સહન નહીં કરાય.

આ પણ વાંચો…રાયાબુજુર્ગમાં તળાવની જમીન બનેલ ગેરકાયદે મસ્જિદ, મેરેજ હોલ પર તંત્રે ફેરવ્યુ બુલડોઝર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button