ટોપ ન્યૂઝમહીસાગર

કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો! અમદાવાદ અને મહીસાગરમાં એક એક મકાન ધરાશાહી, બેના મોત

મહીસાગરઃ ગુજરાતમાં ગત રાત્રિએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદ સાથે સાથે ભારે પવન હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે એક વૃદ્ધનું મોત થયું છે. ઘટના એવી છે કે, મહીસાગરમાં ગત રાત્રે વરસાદ સાથે સાથે વાવાઝોડું પણ આવ્યું હતું. જેના કારણે ખાનપુર તાલુકાના ભાદરોડ ગામમાં એક મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા ઘરમાં સૂતેલા 69 વર્ષીય વૃદ્ધનું મોત થયું હોવાના સમાચાર મળ્યાં છે.

ખાનપુર તાલુકાના ભાદરોડ ગામમાં એક મકાન ધરાશાયી થયું

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક કાચા મકાનોના છાપરાને નુકસાન થયું અને અનેક વૃક્ષો પણ પડ્યા હોવાના અહેવાલો મળ્યાં છે. ભાદરોડમાં માલીવાડ નાનાભાઈ ભુરાભાઈ પોતાના ઘરમાં સૂતા હતા, આ દરમિયાન વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે તેમનું મકાન ધરાશાયી થયું હતું. જેના કારણે તેઓ મકાન નીચે દટાઈ ગયા હતા અને મોત નિપજ્યું હતું.

નાનાભાઈનું અકાળે મોત થતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં. સ્થાનિકોએ કાટમાળ નીચેથી વૃદ્ધ નાનાભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નાનાભાઈનું અકાળે મોત થતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. રાજ્યમાં અનેક જગ્યાએ ગત રાત્રિએ આવેલા કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતાં. જો કે, ત્યા કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત

અમદાવાદ શહેરની આવેલા કોટ વિસ્તારના ધનાસુથારની પોળમાં ભારે પવનના કારણે મોડી રાત્રે બે માળનું મકાન ધારાશાયી થયું હતું. આ સમગ્ર ઘટનામાં બે મહિલા કાટમાળ નીચે દટાઈ હતી. એક 30 વર્ષની મહિલાનું કાટમાળમાં દબાઈ જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે એક મહિલાને રેસક્યુ કરીને બચાવી લેવામાં આવી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો….મોડી રાત્રે રાજ્યભરમાં કમોસમી વરસાદે ધડબડાટી બોલાવી, મિની વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button