મહીસાગર

કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા, ગુજરાતના જિલ્લામાં માવઠું

મહીસાગર: ગુજરાતના હવામાનમાં વહેલી સવારથી જ એકાએક પલટો આવતા અનેક જિલ્લાઓમાં શિયાળાની વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં ગાઢ વાદળોની વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. ડાંગ, મહીસાગર, અરવલ્લી અને છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. આ અણધાર્યા ફેરફારને કારણે સમગ્ર પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને હવામાં ભેજનું પ્રમાણ વધતા ઠંડીનું જોર પણ વધ્યું છે.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને આહવા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. બીજી તરફ, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે. આ સમયે ખેતરોમાં ઘઉં, ચણા અને રાઈ જેવા રવિ પાકો તૈયાર થવાની અવસ્થામાં છે, ત્યારે પડેલા આ વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદી માહોલ લાંબો સમય ચાલશે તો પાકમાં રોગચાળો ફેલાવાની શક્યતાને પગલે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે.

આ પણ વાંચો : અંબાલાલની આગાહી સાચી પડીઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો

અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પંથકમાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી છે. અહીં બટાકા અને ઘઉંના વાવેતરને માવઠાની માઠી અસર થવાની ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. છોટાઉદેપુરના બોડેલી નગરમાં પણ વરસાદ પડતા વેપારીઓ અને પશુપાલકોની ચિંતા વધી છે. વરસાદને કારણે ઘાસચારો પલળી જવાથી પશુપાલકોને મુશ્કેલી પડી રહી છે. બાગાયતી પાકો અને શાકભાજીના વાવેતરમાં પણ આ કમોસમી માવઠું નુકસાન લાવી શકે છે, જેના કારણે બજાર ભાવ પર પણ તેની અસર પડવાની શક્યતા છે.

શિયાળુ પાક માટે ઠંડી અનુકૂળ ગણાય છે, પરંતુ તેની સાથે ભેજ અને વરસાદી માહોલ પાકને બગાડી શકે છે. અચાનક આવેલા આ વાતાવરણના પલટાથી ખેડૂતોમાં ભયનો માહોલ છે. ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને તૈયાર પાકને પલળતો બચાવવા અને દવાનો છંટકાવ કરવામાં સાવચેતી રાખવા જણાવાયું છે. પલટાયેલા હવામાનને કારણે હાલ તો સમગ્ર રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button