મહીસાગરમાં હિટ એન્ડ રન: નશામાં ધૂત કારચાલક બાઇકને ટક્કર મારીને દૂર સુધી ઢસડી ગયો; જુઓ વીડિયો | મુંબઈ સમાચાર
મહીસાગર

મહીસાગરમાં હિટ એન્ડ રન: નશામાં ધૂત કારચાલક બાઇકને ટક્કર મારીને દૂર સુધી ઢસડી ગયો; જુઓ વીડિયો

ખાનપુર: આજકાલ દેશ અને રાજ્યમાં હિટ એન્ડ રનના કિસ્સાઓ વધી રહ્યા છે. દારુ પીને બેફામ બનીને કાર ચલાવતા લોકોને કારણે નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મૂકાતો હોય છે. તાજેતરમાં મહીસાગર જિલ્લામાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેનો હૈયું કંપાવે એવો વીડિયો પણ સામે આવ્યો છે.

બાઈક સવારને અંદાજે 2 કિમી સુધી ઢસડ્યા

ખાનપુર તાલુકાની બાબલીયા ચોકડી નજીક 28 ઓક્ટોબરની રાત્રે એક ભયાવહ હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં નશામાં ધૂત કારચાલક શિક્ષક અને તેના ભાઈએ મજૂરી કરીને પરત ફરી રહેલા સસરા-જમાઈને જોરદાર ટક્કર મારી હતી. 21 વર્ષીય સુનિલભાઈ દિનેશભાઈ મછાર (બાઇક ચાલક) અને તેમના 51 વર્ષીય સસરા દિનેશભાઈ વારજીભાઈ ચારેલ હિમ્મતનગરના નિકોડા ગામેથી મજૂરીકામ કરીને વતન પરત ફરી રહ્યા હતા. એવા સમયે શિક્ષક મનીષ પટેલ અને તેનો ભાઈ મેહુલ પટેલ નશામાં ધૂત થઈને પોતાની કાર લઈને ફરવા નિકળ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદના નહેરૂનગરમાં હિટ એન્ડ રનઃ કસ્ટડીમાં આરોપીને મારનારા મૃતકના પરિવારજનો સામે પોલીસે શું કરી કાર્યવાહી?

નશામાં ધૂત મનીષ પટેલે બાઇકને પાછળથી ટક્કર મારતા જમાઈ સુનિલભાઈ રોડ પર પટકાયા હતા. જોકે, સસરા દિનેશભાઈ બાઇક સાથે કારમાં ફસાઈ ગયા હતા અને દારૂડિયા શિક્ષકે તેમને લાંબા અંતર સુધી ઢસડ્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બાજુમાંથી પસાર થઈ રહેલી એક કારમાં સવાર જાગૃત મહિલાએ આ ઘટનાનો વીડિયો બનાવીને કારચાલકને રોકવામાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતોને નજીકના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. સાથોસાથ બંને આરોપી ભાઈઓને ઝડપી પાડ્યા હતા. તેમની કારમાંથી દારુની બોટલ પણ મળી આવી હતી.

આ પણ વાંચો : ગાંધીનગરના રાંદેસણમાં હિટ એન્ડ રનની ઘટના, ટાટા સફારી કારચાલકે ચાર જણનો ભોગ લીધો

પીડિતો સલામત, આરોપીઓ પોલીસ કસ્ટડીમાં

હિટ એન્ડ રનની આ ઘટના અંગે મહિસાગરના DySP કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધના પ્રયાસ (કલમ 308) હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. નશામાં કાર ચલાવનાર શિક્ષકનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, ખાતાકીય તપાસ માટે શિક્ષણ વિભાગને પણ ભલામણ કરવામાં આવશે. કારમાંથી મળેલો દારૂ ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો, તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, હિટ એન્ડ રનની આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયુ નથી. ગોધરા સિવિલમાં સારવાર લઈ રહેલા સુનિલભાઈને સારવાર બાદ રજા આપી દેવાઈ છે. જોકે, સુનિલભાઈના સસરા દિનેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને પહેલા લુણાવાડા સિવિલ અને બાદમાં વધુ સારવાર માટે વડોદરાની SSG સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button