પતિએ વોટસએપ પર આપ્યા ‘તલાક’ તો પત્નીએ રાષ્ટ્રપતિને કરી ‘આ’ અરજી

સંતરામપુર: મહીસાગરના સંતરામપુરમાં રહેતી એક મુસ્લિમ મહિલાને તેના પતિએ વોટેસએપ પર તલાક આપવાના કિસ્સામાં લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આ મામલે રાષ્ટ્રપતિને અરજી કરીને ન્યાય નહીં મળે તો ઈચ્છામૃત્યુની પણ પરવાનગી માંગી છે. ત્યાર બાદ આ કેસમાં પોલીસ કમિશનરે આ કેસમાં તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
મોદી-યોગીના વખાણ કર્યા તો પતિએ આપ્યો ત્રિપલ તલાક!
સાસરિયાના ત્રાસની ફરિયાદ
પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં રહેતી એક મહિલાના લગ્નના નવ વર્ષ બાદ તેના પતિએ ત્રણ વાર તલાક આપી દેતા આ મામલે લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. લગ્નના નવ વર્ષ બાદ પણ મહિલાને સંતાન ન હોવાના કારણે મહિલાને તેના પતિ અને સાસરિયાં દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી મારપીટ પણ કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
WhatsApp પર તલાક
મહિલાએ જણાવ્યું કે તેનો કોઇ સહારો નથી અને તેના પિતાની આર્થિક સ્થિતિ પણ સારી નથી, આથી તે છેલ્લા નવ વર્ષથી તેના પતિ અને સાસરિયાઓના અત્યાચારો સહન કરી રહી હતી. આટલું સહન કર્યા હોવા છતાં તેના પતિએ તેને WhatsApp પર મેસેજ કરીને તલાક આપી દીધા. મહિલાએ આ અંગે લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે આરોપી જાવેદ મુસ્તાકને તાત્કાલિક જામીન આપી દીધા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે ન્યા નહીં મળતા તેને રાષ્ટ્રપતિ, રાજ્યના મુખ્ય પ્રધાન, ગૃહ વિભાગ અને જિલ્લા પોલીસ કમિશનરને લેખિતમાં ઈચ્છામૃત્યુ માટે મંજૂરી માગી હતી.
પોલીસ શું કહે છે?
આ અંગે જ્યારે મહીસાગર જિલ્લાના ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ સોંપવામાં આવી છે અને આરોપીને જામીન આપવા બાબતે પણ તપાસ સોંપવામાં આવી છે. તપાસમાં જે કોઈ પોલીસ અધિકારીની જવાબદારી જણાશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ફરિયાદી મહિલાને પણ પોલીસ સ્ટેશન બોલાવી સાંભળવામાં આવશે અને મહિલાને જરૂરી ન્યાય મળે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.