
મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક ગંભીર ઘટના સામે આવી હતી. શાળા છૂટ્યા બાદ તળાવ દરવાજા પાસે ધોરણ 8ના એક વિદ્યાર્થી પર બીજા વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરતાં ખળભળાટ મચી ગયો હતો.
શું છે મામલો
ઘટનાની વિગતો મુજબ, શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. છરીના ઘા વાગતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પગાર વિવાદમાં ડ્રાઇવર પર કર્યો છરી વડે હુમલો, ફિલ્મ નિર્માતા મનીષ ગુપ્તા સામે ગુનો નોંધાયો
ઘટનાની જાણ થતાં જ બાલાસિનોર ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને અન્ય સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.આ પ્રકારની ઘટનાથી વાલીઓમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો.
અમદાવાદમાં પણ બની હતી આવી ઘટના
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની સ્કૂલના જ વિદ્યાર્થીએ હત્યા કરી હતી. જે બાદ મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.