ખેડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 8 થી 10 ફાયર ફાયટર ઘટના સ્થળે તૈનાત...

ખેડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 8 થી 10 ફાયર ફાયટર ઘટના સ્થળે તૈનાત…

ખેડાઃ ખેડા શહેરમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ખેડા શહેરમાં આવેલા બસ સ્ટેશન નજીક એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આજે બપોરે અચાનક આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલો જોવા મળ્યો હતો. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોવાથી આગ વધારે વિકરાળ બની ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે, એક કિમી સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા. ફાયર વિભાગ દ્વારા અત્યારે આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.

આગ પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી હોવાથી વધારે વિકરાળ બની
ગોડાઉનમાં આગ લાગ્યાનો કોલ મળતાની સાથે 8થી 10 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આગની ઝપેટમાં એક ઝુંપડું આવી ગયું હતું. અત્યારે ફાયર વિભાગ દ્વારા પાણીથી આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં હજી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. જેથી લોકો સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, શા કારણે આગ લાગી? તેનું કારણ હજી સુધી પ્રકાશમાં આવ્યું નથી.

આગના કારણે દુકાનદારોમાં પણ ભયનો માહોલ છવાઈ
ગોડાઉનમાં આગ લાગી હોવાથી આસપાસના વિસ્તારમાં આવેલા દુકાનદારોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. અત્યારે ખેડા અને નડિયાદ ફાયર સ્ટેશનના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાવની જાણ થતા જ ખેડા પ્રાંત અધિકારી,ખેડા ટાઉન પીઆઈ અને માતર વિધાનસભાના ધારાસભ્ય ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. આગ હજી કાબૂમાં આવી નથી, આગ વધારે વિકરાળ હોવાથી કાબૂમાં લેતા હજી થોડો સમય લાગી શકે તેમ છે. જો કે, આગને સત્વરે કાબૂમાં લેવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

8 થી 10 ફાયર ફાયટર ઘટના સ્થળ પર તૈનાત
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું છે. જેથી આગને કાબૂમાં લેવા માટે ખેડા, નડિયાદ ઉપરાંત ધોળકા ફાયર બ્રિગેડ,અમદાવાદ ફાયર બ્રિગેડ, ONGC ફાયર બ્રિગેડ, મહેમદાવાદ ફાયર બ્રિગેડ,ચીરીપાલ કંપનીની થઈ કુલ 8 થી 10 ફાયર ફાયટર ઘટના સ્થળ પર તૈનાત હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : ખેડા પોલીસે બાળકોની આંખો પરથી બે વર્ષ જૂની હત્યાનો ઉકેલ્યો ભેદ, જાણો વિગત…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button