દાહોદમાં ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં 50થી વધારે વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તંત્ર દોડતું થયું
રાતે કઢી-ખીચડી અને શાક-રોટલી ખાધા બાદ વિદ્યાર્થિનીઓ તબિતલ લથડતા સત્વરે હોસ્પિટલ લઈ જવામાં આવી

દાહોદઃ વરસાદી વાતાવરણના કારણે અત્યારે બીમારીઓ થવાની સંભાવનાઓ વધી ગઈ છે. આવી સ્થિતિમાં દાહોદની એક શાળામાં 50થી વધારે વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. દાહોદમાં ધાનપુરમાં આવેલી ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં આ ઘટના બની છે. રાત્રે વિદ્યાર્થિનીઓએ કઢી-ખાચડી અને શાક-રોટલી ખાધી હતી, ત્યાર બાદ એક પછી એકની તબિતલ લથડવા લાગી હતી. 56 જેટલી વિદ્યાર્થિનીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
તમામ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં કઢી-ખાચડી અને શાક-રોટલી જમ્યા બાદ વિદ્યાર્થિનીને ઉલ્ટી, ચક્કર અને પેટમાં દુઃખાવાની ફરિયાદો થવા લાગી હતી. અહીં શાળાની 50થી પણ વધારે વિદ્યાર્થિનીઓને આવી અસર થઈ હતી. જેના કારણે સત્વરે તમામ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સાથે સાથે શાળામાં જે જમાવાનું પિરસવામાં આવ્યું તે ભોજનની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. દાહોદ ફૂડ વિભાગે વિદ્યાર્થિનીઓને પીસરવામાં આવેલા ફૂડના સેમ્પલ લેઈને આગળની કામગીરી શરૂ કરવામાં આવી છે.
શાળામાં પીરસવામાં આવેલા ભોજનના સેમ્પલ લેવામાં આવ્યાં
સ્કૂલમાં ફુડ પોઈઝનિંગની ઘટના બન્યાની જાણ થતાની સાથે જ મામલતદાર, પ્રાંત અધિકારી સહિત આરોગ્ય વિભાગ શાળામાં દોડી આવ્યું હતું. આ સાથે સાથે ફૂડ વિભાગ ભોજનની તપાસ માટે શાળામાં આવ્યું અને વિદ્યાર્થિનીઓને પીરસવામાં આવેલા ભોજનના સેમ્પલ લીધા હતા. તમામ વિદ્યાર્થિનીઓને રાત્રે લીમખેડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવી હતી. અત્યારે તમામ વિદ્યાર્થિનીઓની હાલત હાલ સ્થિર છે. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે સમયસર સારવાર મળવાથી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી. પરંતુ શાળામાં આપવામાં આવેલા ભોજનના કારણે ફૂડ પોઇઝનિંગ થવું એ ચિંતાની વાત છે.
આ પણ વાંચો…રાજકોટમાં છાશ પીતા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, એક બાળકની હાલત ગંભીર