દાહોદ

ભાજપ છોડીને આવેલ મહેશ વસાવા કૉંગ્રેસમાં જોડાશે: કેવી રહી છે આ આદિવાસી નેતાની રાજકીય સફર?

દાહોદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો AAPમાં તો AAPના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. બીજી તરફ કૉંગ્રેસની જનઆક્રોશ યાત્રા પણ ચાલી રહી છે. જેનું આજે દાહોદના કંભોઈ ગામે સમાપન થશે. આ કાર્યક્રમમાં એક આદિવાસી નેતા અને ભાજપ છોડીને આવેલા પૂર્વ ધારાસભ્ય કૉંગ્રેસમાં જોડાવાના છે.

મહેશ વસાવા કૉંગ્રેસમાં જોડાશે

એપ્રિલ 2025માં ભાજપનો છેડો ફાડી ચૂકેલા મહેશ વસાવા આજે કૉંગ્રેસમાં જોડાશે એવા અહેવાલો સામે આવી રહ્યા છે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં નીકળેલી જનઆક્રોશ યાત્રાનું આજે દાહોદના કંભોઈ ગામે સમાપન થવાનું છે. જેમાં મહેશ વસાવા કૉંગ્રેસનો ખેસ પહેરી શકે છે. આદિવાસી વિસ્તારમાં પ્રભુત્ત્વ ધરાવતા નેતા મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાને લઈને નર્મદા, ભરૂચ, ડેડિયાપાડાની આસપાસના વિસ્તારોમાં રાજકારણ ગરમાયું છે. મહેશ વસાવાના કૉંગ્રેસમાં જોડાવાથી આદિવાસી પટ્ટામાં કૉંગ્રેસનું જોર વધશે એવું રાજકીય નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે.

મહેશ વસાવા અને છોટુ વસાવા વચ્ચે તકરાર

2017માં જેડીયુના વિભાજન બાદ મહેશ વસાવાએ BTPની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં BTPએ ઝંપલાવ્યું હતું. જેમાં મહેશ વસાવા ડેડિયાપાડા બેઠક અને તેમના પિતા છોટું વસાવા ઝઘડીયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જોકે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BTPમાં ભંગાણ પડ્યું હતું. BTPએ પહેલા AAP સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારબાદ છોટું વસાવાએ ગઠબંધન તોડી નાખ્યાની જાહેરાત કરી હતી.

જોકે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવા અને તેમના દીકરાઓ આમનેસામને આવી ગયા હતા. BTPમાંથી AAPમાં જોડાયેલા ચૈતર વસાવાએે ડેડિયાપાડા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. એવા સંજોગોમાં મહેશ વસાવાએ પિતા છોટુ વસાવાનો ગઢ ગણતી ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી હતી. જોકે, મહેશ વસાવાને BTP તરફથી કોઈ મેન્ડેટ મળ્યું ન હતું. તેથી છોટુ વસાવાએ મહેશ વસાવાની ઉમેદવારીનો વિરોધ નોંધવાતા ઝઘડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. છોટું વસાવા બાદ તેમના બીજા દીકરા દિલીપ વસાવાએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. આખરે મહેશ વસાવાએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું. પરંતુ સાત ટર્મથી ઝઘડિયા બેઠક પરથી જીતનાર છોટું વસાવા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા.

મહેશ વસાવા ભાજપમાં જોડાયા

2024માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાય એ પહેલા માર્ચ 2024માં મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. 11 માર્ચ 2024ના રોજ મહેશ વસાવાએ તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ભગવો ખેસ ધારણ કર્યો હતો. આ સમયે છોટુ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપે પોતાના દીકરાને ગેરમાર્ગે દોર્યાનો આરોપ લગાવ્યો હતો. આખી દુનિયા ભાજપમાં જોડાઈ રહી હોય તો તેમને જવામાં શો વાંધો હોય શકે.

ભાજપમાં જોડાતી વખતે મહેશ વસાવાએ કહ્યું હતું કે, આખી દુનિયા ભાજપમાં જોડાઈ રહી હોય તો તેમને જવામાં શો વાંધો હોય શકે. જોકે, એક વર્ષ બાદ મહેશ વસાવાએ RSS અને ભાજપની વિચારધારાને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યનું કારણ આપીને ભાજપના સામાન્ય સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button