કોળી સમાજના કાર્યક્રમમાં ભાજપના બચુ ખાબડે ભવાડો કરતાં હુરિયો બોલાવાયો, ખાબડ સ્ટેજ પર કોની સાથે બાખડ્યા ?

દેવગઢ બારિયા: સામાજિક મંચો પર રાજકારણ ન પ્રવેશે એવું ઘણા સમાજના લોકો ઈચ્છતા હોય છે. આવું જ એક ઉદાહરણ તાજેતરમાં સામે આવ્યું છે. સામાજિક અગ્રણીઓએ સ્ટેજ પર પૂર્વ મંત્રી અને સીટીંગ ધારાસભ્યને રાજકારણ ન કરવાની વાત કરતા હોબાળો મચ્યો હતો. દેવગઢ બારિયા ખાતે વીર માંધાતા પ્રતિમા સ્થાપના સમારોહમાં પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી અને ધારાસભ્ય બચુ ખાબડ પર જાહેર મંચ પર ઉદ્ધતાઈભર્યું વર્તન કરવાનો અને પોતાની રાજકીય નામના દર્શાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.
જલ્દી મારું નામ લખી દે નહીંતર
સમસ્ત દેવગઢ બારિયા કોળી સમાજ દ્વારા યોજાયેલા વીર માંધાતા પ્રતિમા સ્થાપના સમારોહમાં સમાજ દ્વારા અગાઉ નક્કી કરાયું હતું કે, આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રચાર કરવામાં આવશે નહીં. એવા સમયે ધારાસભ્ય બચુ ખાબડે સ્ટેજ પર જઈને ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા પરિસ્થિતિ વણસી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ધારાસભ્ય બચુ ખાબડે સ્ટેજ પર જઈને કહ્યું હતું કે, “કેટલા જણની સ્પીચ બાકી છે? બે જણા? મારું નામ પણ લખી દો, મારે કઈ બોલવું ના પડે. તમે કોણ અમને ના કહેનારા જલ્દી મારું નામ લખી દે નહીંતર મારે મેળો ખોળાઈ દઈશ.” બચુ ખાબડના આ શબ્દો સાંભળીને સ્ટેજ પર હાજર સમાજના અગ્રણી બોલ્યા હતા કે, “તમે તો મેળો ખોળાવવા જ બેઠા છો ને બીજું શું.” સમાજના અગ્રણીએ આગળ જણાવ્યું હતું કે, “સમાજના મેળાને જો કોઈ અસર કરવા માંગતો હોય તો હું વિનંતી કરુ છું આ કોળી સમાજ માટે ભેગું કરેલું છે, રાજકારણ માટે નહીં.”
પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી
ઉલ્લેખનીય છે કે, સ્ટેજ પરથી થયેલી આ સમગ્ર બોલાચાલી બાદ હોબાળો થવા પામ્યો હતો. જેને પગલે દેવગઢ બારિયા પોલીસના પીઆઈને મંચ પર આવીને પરિસ્થિતિ કાબુમાં લેવી પડી હતી. સમાજનું કહેવું છે કે બચુ ખાબડ પોતાની પ્રતિષ્ઠા અને રાજકીય વગ બતાવવા ઈચ્છતા હતા, જે સામાજિક મંચ પર સ્વીકાર્ય નથી. વિવાદ વધતા પોલીસની મધ્યસ્થીથી મામલો શાંત પાડવામાં આવ્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સમાજ દ્વારા બચુ ખાબડની ટીકા કરવામાં આવી રહી છે.



