દાહોદમાં ભિક્ષુક યુવકે ટાવર પર ચડી કર્યો ડ્રામા, મોદીને લખેલી સુસાઈડ નોટમાં કોના પર કર્યા આક્ષેપો?

દાહોદ: બેરોજગારી એક મોટો પ્રશ્ન બની ગયો છે. શિક્ષિત હોવા છતાં ઘણા યુવાનો કામ વગર ફરી રહ્યા છે. આવા જ એક યુવાને ઉત્તરાયણના દિવસે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઉત્તરાયણના પર્વ પર જ્યારે લોકો આકાશમાં પતંગ ઉડાવી રહ્યા હતા, ત્યારે દાહોદ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક યુવકે ન્યાય માટે 60 ફૂટ ઊંચા હાઈવોલ્ટેજ રેલવે પોલ પર ચડી જઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર તંત્રના જીવ અધ્ધર થઈ ગયા હતા.
‘સુસાઈડ નોટ’માં PM મોદીનો ઉલ્લેખ
મળતી વિગતો મુજબ, આ યુવક શિક્ષિત હોવા છતાં સંજોગોવશાત ભિક્ષા માંગીને પોતાનું પેટ ભરે છે. પોલ પર ચડતા પહેલા તેણે એક ડાયરીમાં પોતાની વ્યથા ઠાલવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલી આ નોંધમાં તેણે રેલવે સુરક્ષા દળ (RPF) પર ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકનો આરોપ છે કે RPFના જવાનો તેને અવારનવાર ઢોર માર મારે છે અને માનસિક રીતે હેરાન કરે છે, જેનાથી કંટાળીને તે જીવ ટૂંકાવવા મજબૂર બન્યો હતો.
કલાકોની સમજાવટ બાદ રેસ્ક્યુ
ઘટનાની જાણ થતા જ RPF, GRP, 112 જન રક્ષક દળ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. હાઈવોલ્ટેજ લાઈનને કારણે મોટો ખતરો હોવાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ યુવક સાથે સતત વાતચીત કરી સમજાવટના પ્રયાસો કર્યા હતા. આશરે કલાકોની જહેમત બાદ યુવક નીચે ઉતરવા માટે તૈયાર થયો હતો અને તેને બચાવી લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભિક્ષુક યુવકનું રેસ્ક્યુ કર્યા બાદ તરત જ પોલીસ તેને વધુ તપાસ માટે પોલીસ મથકે લઈ ગઈ છે. ઉત્તરાયણના દિવસે બનેલી આ ઘટનાએ રેલવે સુરક્ષા દળની કામગીરી અને શિસ્ત પર અનેક સવાલો ઉભા કર્યા છે. યુવકે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે RPFના જવાનો તેને અવારનવાર ઢોર માર મારે છે કે કેમ, તે અંગે ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
આપણ વાંચો: દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે પર સુરતના કિમથી જુદા જુદા સ્થળના ટોલ ટેક્સના રેટ નક્કી કરાયા?



