દાહોદમાં ગામડે-ગામડે લાઈબ્રેરીઓ બનાવવાનું આયોજન, UPSC-GPSC તૈયારી કરતા વિદ્યાર્થીઓને થશે લાભ

દાહોદ: 60. 6 ટકા સાક્ષરતા દર ધરાવતા દાહોદ જિલ્લામાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં 100 આધુનિક લાઈબ્રેરીઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 25 કરોડની રકમ ફાળવવામાં આવી છે.
શાળાના કેમ્પસમાં જ લાઈબ્રેરી બનાવવાનું આયોજન
આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને આ માટે એક પત્ર મોકલવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતો પાસેથી લાઈબ્રેરી બનાવવા માટે 2000 ચોરસ ફૂટ સરકારી પડતર અથવા ગામતળની જમીનની માહિતી મંગાવવામાં આવી છે.
આપણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : કોચિંગ ક્લાસની સરખામણીએ આજે તેનાથી અડધી સાર્વજનિક લાઈબ્રેરીઓ પણ રહી નથી!
આ લાઈબ્રેરીઓ મુખ્યત્વે એવા ગામોમાં બનશે જ્યાં મોટી શાળાઓ છે, અને તે પ્રાથમિક શાળાના કેમ્પસમાં જ બનાવવાનું આયોજન છે. જેથી વીજળી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ નિવારી શકાશે.
દરેક લાઈબ્રેરીમાં એકસાથે 100 જેટલા લોકો વાંચન કરી શકે તેવી ક્ષમતા હશે. ભવિષ્યમાં જો જરૂર પડે તો, માત્ર રૂ. 11 લાખના ખર્ચે ઉપર નવો ફ્લોર બનાવીને ક્ષમતા વધારી શકાય તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે અને એકાદ અઠવાડિયામાં કામ શરૂ થશે.
દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સંતોષ લોઢાએ જણાવ્યું કે, “આ લાઈબ્રેરીઓમાં પુસ્તકો અને ફર્નિચર જેવી સુવિધાઓ હશે, જેથી UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ તેનો ઉપયોગ કરી શકે.”