વિકાસથી વંચિત છે છોટાઉદેપુરનું ભુંડમારિયા ગામ! સગર્ભા મહિલાને ઝોળીમાં ઉંચકીને લઈ જવા લોકો મજબૂર

છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં હજી જાણે ગુજરાતનો વિકાસ પહોંચ્યો જ નથી. એકબાજુ ગુજરાતમાં સરકાર વિકસિત ગુજરાતની વાતો કરે છે, જ્યારે સામે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં લોકોને પાયાની સુવિધા પણ મળતી નથી. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, અહીંના ગામડાંઓ સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવો રોડ પણ નથી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરની વાત કરવામાં આવે તો, અહીંના ભુંડમારિયા ગામની એક સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા થતાં તેને હોસ્પિટલ લઈ જવી પડે તેવી સ્થિતિ હતી. પરંતુ ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ નહોતી એટલા માટે ત્રણથી ચાર કિલોમીટર સુધી ઝોળીમાં ઉચકીને લઈ જવી પડી હતી. ત્રણથી ચાર કિલોમીટર ચાલીને ગયા ત્યારે મહિલાને સારવાર મળી હતી.
સગર્ભા મહિલાને 3થી 4 કિમી ઝોળીમાં ઉચકીને લઈ જવી પડી
આ ઘટના વર્ષો જૂની નથી, માત્ર બે દિવસ પહેલાની જ છે. જો અહીં રહેતા લોકોને પાયાની સુવિધા પણ ના મળી શકતી હોય તો પછી વિકાસના દાવા બધા પોકળ જ કહેવાય! સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા થતાં ગામના લોકો ત્રણથી ચાર કિલોમીટર ઝોળીમાં લઈને ગામની બહાર સુધી ચાલીને જવું પડતું હોય છે. ગામના લોકોનું કહેવું છે કે, આવું કઈ પહેલી વખત નથી બન્યું! આ રોજની સમસ્યા છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે.
આખરે લોકોએ ચૂંટણીમાં મત આપીને જે વ્યક્તિને પોતાનું કામ કરાવવા માટે જન પ્રતિનિધિ તરીકે સરકારમાં મોકલ્યો હોય તે નેતા પોતાનું કામ કેમ નથી કરતા? આખરે સરકારમાં રોડ અને રસ્તા માટે ફાળવેલા કરોડો રૂપિયા ક્યાં ચાઉ થઈ જાય છે? છોટાઉદેપુર જિલ્લાના ભુંડમારિયા ગામમાં કાચા અને પથરાળ રસ્તાઓ હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી.
સ્થાનિક ધારાસભ્યના પોકળ દાવાનો ગ્રામલોકોએ આપ્યો જવાબ
આ સમગ્ર પરિસ્થિતિ અંગે અહીના સ્થાનિક ધારાસભ્યનું કહેવું એવું છે કે, અહીં માત્ર બેથી ત્રણ ખેતર જ ચાલવું પડે છે. જો કે, ગામ લોકો ત્રણથી ચાર કિલોમીટર ચાલવું પડે છે તેવી વાતો કરે છે! તેનો અર્થ એ થયો કે, નેતાઓ પોતાની ફરજ નીભાવવામાં કાચા પડી રહ્યાં છે. 21મી સદીમાં અને આઝાદીના આટવા વર્ષો બાદ પણ જો રોડ-રસ્તાનો અભાવ હોય તો તે કોની બેદરકારી કહેવાય તંત્રની કે સરકારી? કારણ કે, વર્ષોથી ગામલોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
આખરે કેટલા વર્ષ સુધી આ લોકોને વિકાસથી વંચિત રહેવું પડશે?
એકબાજુ દુનિયા આધુનિક બની રહી છે અને અહીં છોટાઉદેપુરમાં લોકોને રોડ-રસ્તા અને સ્વાસ્થ્યની સુવિધા પણ પુરતા પ્રમાણમાં મળતી નથી. ખેર હવે જોવાનું એ રહે છે કે, આખરે ક્યારે તંત્ર દ્વારા આ જિલ્લાના લોકોને પાયાની સુવિધા આપવામાં આવે છે. હવે અહીં રોડ-રસ્તો બનશે કે પછી હજી પણ આ લોકોને વિકાસથી વંચિત રહેવું પડશે? આ બાબતે રાજ્ય સરકારે પણ કોઈ પગલા લેવા પડે કે, આખરે શા માટે આ વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ છે. ગામના સ્થાનિક લોકોએ પણ ધારાસભ્ય, સાંસદ અને સરકારને વિનંતી કરી છે કે, અમારી આ સમસ્યાનો જલદી ઉકેલ લાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવે. બાકી હવે કામ ક્યારે થશે તે જોવાનું રહેશે!