
આણંદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આજે સવારે તેઓ વડોદરા એરપોર્ટ (Vadodara Airport) ખાતે ઉતર્યા અને ત્યાર બાદ રોડ આણંદ (Anand) જવા માટે નીકળ્યાં હતા. રાહુલ ગાંધી ગુજરાતમાં કોગ્રેસના નવા જિલ્લા પ્રમુખોને તાલીમ આપવા માટે આવ્યાં છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress Committee) દ્વારા નવા નિયુક્ત કરેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને આજથી 28મી જુલાઈ સુધી એમ ત્રણ દિવસ 2027ની ચૂંટણીમાં કેવી રીતે કામ કરવું તેની તાલીમ આપવામાં આવશે. કોંગ્રેસ અત્યારે ગુજરાતમાં વિઝન 2027 (Congress Vision 2027)ના રોડમેપ પર કાર્ય કરી રહી છે. ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના માટે કોંગ્રેસે અત્યારેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

2027ની ચૂંટણીમાં કામ કરવા જિલ્લા પ્રમુખો અપાશે તાલીમ
આણંદના અંધારિયા ચકલા નજીક આવેલા નિજાનંદ રિસોર્ટમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમનું આજે રાહુલ ગાંધીએ ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ચાર કલાક હાજરી આપી હતી. રાહુલ ગાંધી સાથે આ કાર્યક્રમમાં સંગઠનના મહામંત્રી કેસી વેણુગોપાલ, મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીક, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સાથે કોંગ્રેસના તમામ નવા જિલ્લા પ્રમુખો અને કોંગ્રેસના હોદ્દેદારો પણ હાજર રહ્યાં હતાં.

કોંગ્રેસ માટે ગુજરાતમાં જીતવું અતિઆવશ્યક
કોંગ્રેસને દેશમાં ફરી સત્તા હાથમાં લેવી છે. પરંતુ ભારતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીએ પગ જમાવી લીધો છે. જેથી કોંગ્રેસે ફરી સત્તા લેવા માટે મજબૂત રણનીતિ બનાવની જરૂર છે. કોંગ્રેસ એવું ઈચ્છે છે કે, જો ભારતમાં સત્તા હાથમાં લેવી હોય તો પહેલા ગુજરાતમાં જીતવું અતિઆવશ્યક છે. કારણે કે, ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગઢ કહેવાય છે. જો ગુજરાતમાં કોંગ્રેસ બીજેપીને હરાવવામાં સફળ થઈ જાય તો અન્ય રાજ્યોમાં ચૂંટણી જીતવી સરળ બની જશે. તે માટે હવે કોંગ્રેસ પાયાથી મજબૂત થવા માટે કામગીરી કરવાનું શરૂ કરી દીધું છે.

1995 બાદ કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મળી જ નથી
ગુજરાત વિધાનસભાની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં 1995, 1998, 2002, 2007, 2012, 2017 અને 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે. જેમાં કોંગ્રેસને ક્રમશઃ 45, 53 ,51, 59, 61, 77 અને 17 બેઠકો કોંગ્રેસને મળી હતી. એટલે કે 1995 બાદ કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મળી જ નથી. જેથી હવે કોંગ્રેસે ગુજરાતમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે કમર કસી રહી છે.