
આણંદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું વેચાણ કરે છે, તેના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી 22 જુલાઈ, 2025ના રોજ આણંદમાં યોજાઈ હતી. જ્યારે આ નવા ચેરમેનના નિમણુકની જાહેરાત કરવામાં આવી છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી GCMMFના નવા ચેરમેન તરીકે ચૂંટાયા છે. જ્યારે ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન બન્યા. રાજ્યની 18 ડેરી સંઘોના ચેરમેનોએ આ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ ચૂંટણી અઢી વર્ષની અવધિ પૂર્ણ થવાને કારણે યોજાઈ, જેમાં પૂર્વ ચેરમેન શામળ પટેલની બે ટર્મ પૂર્ણ થઈ છે.
આણંદ ખાતે યોજાયેલી GCMMFની ચૂંટણીમાં અશોક ચૌધરીને ચેરમેન તરીકે અને ગોરધન ધામેલિયાને વાઈસ ચેરમેન તરીકે નિમવામાં આવ્યા. આ ચૂંટણીમાં ગુજરાતની 18 ડેરી સંઘોના ચેરમેનોએ મતદાન કર્યું, જેમાં સાબર ડેરી, બનાસ ડેરી, અમૂલ ડેરી, સુમુલ ડેરી અને દૂધસાગર ડેરી જેવા મુખ્ય સંઘોના પ્રતિનિધિઓ સામેલ હતા. અશોક ચૌધરી, જેઓ દૂધસાગર ડેરીના ચેરમેન છે, તેમને આગામી અઢી વર્ષ માટે GCMMFનું સુકાન સોંપવામાં આવ્યું, જ્યારે રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેનની જવાબદારી સંભાળી છે.
GCMMFની આ ચૂંટણી અઢી વર્ષની નિયત અવધિ પૂર્ણ થવાને કારણે યોજાઈ હતી, જેમાં પૂર્વ ચેરમેન શામળ પટેલ અને વાઈસ ચેરમેન વલમજી હુંબલનો કાર્યકાળ સમાપ્ત થયો. શામળ પટેલ, જેઓ સાબર ડેરીના ચેરમેન છે, તેમણે બે ટર્મ સુધી GCMMFનું નેતૃત્વ કર્યું હતું. જોકે, તાજેતરમાં સાબર ડેરીમાં ભાવફેરને લઈને થયેલા વિવાદ અને ખેડૂતોના વિરોધને કારણે તેમની ફરી ચૂંટણીની શક્યતાઓ ઓછી હતી.
કોણ છે અશોક ચૌધરી
અશોક ચૌધરી મહેસાણાના ચિત્રોડીપુરા ગામના વતની છે અને ચૌધરી સમાજના પ્રમુખ નેતા તરીકે જાણીતા છે. તેઓ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લા ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટર તરીકે અને મહિલા સ્વાવલંબન યોજના સમિતિના સભ્ય તરીકે પણ કામ કર્યું છે. દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે તેમનું નેતૃત્વ નોંધપાત્ર રહ્યું છે, અને તેઓ ભાજપના યુવા ચહેરા તરીકે પણ ઓળખાય છે. તેમની નિમણૂકને રાજ્યના સહકારી ક્ષેત્રમાં ઉત્તર ગુજરાતના વધતા પ્રભાવના સંકેત તરીકે જોવામાં આવે છે.
GCMMF, જે ભારતનું સૌથી મોટું ખાદ્ય ઉત્પાદન સંગઠન છે, તે 18 જિલ્લા ડેરી સંઘો દ્વારા ગુજરાતના 36 લાખ ખેડૂતો પાસેથી રોજનું 264 લાખ લિટર દૂધ એકત્ર કરે છે. ગત નાણાકીય વર્ષમાં ફેડરેશનનું ટર્નઓવર 65,911 કરોડ રૂપિયા રહ્યું હતું. નવા ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું કે તેમનું ધ્યેય ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાનું છે. GCMMFનું નેતૃત્વ બદલાવું રાજ્યના ડેરી ક્ષેત્રમાં નવી ઊર્જા લાવશે અને સહકારી ચળવળને વધુ મજબૂત કરશે.