અમૂલ હવે મીઠું પણ વેચશે, લાખો અગરિયાઓને થશે ફાયદો, અમિત શાહે કરી મોટી જાહેરાત!

આણંદ: અમૂલના ટૂંકાક્ષરથી જાણીતી દુનિયાની સૌથી મોટી સહકારી ડેરી આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ(AMUL)એ ભારતની શ્વેત ક્રાંતિનમાં સૌથી મહત્વનો ફાળો આપ્યો છે, અમૂલે દેશના કરોડો લોકો માટે દૂધ અને દૂધના ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવ્યા છે, સાથે સાથે ગુજરાતના લાખો ખેડૂતોને આર્થીક રીતે સક્ષમ બનાવ્યા છે. હવે ગુજરાતના મીઠું પકવતા અગરિયાઓની મદદ માટે અમુલ મીઠાનું પણ વેચાણ (Amul will sell salt)કરશે. સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે, કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે આ જાહેરાત કરી હતી.
મલ્ટી સ્ટેટ કોઓપરેટીવ બોડી સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના લોન્ચિંગ દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે અમુલ હવે મીઠું પણ વેચશે. અમિત શાહે જાહેરાત કરી કે અમૂલ હવે કચ્છના મીઠાના કામદારો પાસેથી મીઠું ખરીદીને વેચશે. આ પહેલને સફળ બનાવવાની જવાબદારી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના વાઇસ ચેરમેન વલમજી હુંબલને સોંપવામાં આવી છે.

નવા ફેડરેશનના લોગોનું અનાવરણ:
આ પ્રસંગે કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે કહ્યું, “પારદર્શક્તાનો અભાવ સહકારની ભાવનાને નુકસાન પહોંચાડે છે. ટેકનોલોજી વિના, સમૃદ્ધિ શક્ય નથી, અને સ્પર્ધામાં સહકાર ટકી શકતો નથી.”નવા ફેડરેશનના લોગોનું અનાવરણ કરતા, અમિત શાહે કહ્યું, “નવું શરૂ કરવામાં આવેલું આ ડેરી ફેડરેશન સંગઠિત બજાર, ઇનપુટ સેવાઓ, દૂધની વાજબી ખરીદી, ભાવમાં તફાવત અને ડેરી ક્ષેત્રમાં ‘સર્ક્યુલર ઈકોનોમી’માટે કામ કરશે.”
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્ર મજબુત બન્યું:
અમિત શાહે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સહકારી ક્ષેત્રમાં 2 લાખ પ્રાઈમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી(PACS) ની નોંધણી, પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી ‘ત્રિભુવન સહકારી યુનિવર્સિટી’ની સ્થાપના અને ડેરી ક્ષેત્રમાં ત્રણ નવી રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓની રચના થઇ છે.
અમુલ ડેરીમાં નવા પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન:
આ દરમિયાન અમિત શાહે અમૂલ ડેરીમાં કેટલાક નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે મોઝેરેલા ચીઝ પ્રોડક્શન પ્લાન્ટ, ફૂલી ઓટોમેટેડ અલ્ટ્રા-હાઇ પ્રોસેસિંગ (UHT) પ્લાન્ટ, ખાત્રજમાં એક અતિ-આધુનિક ચીઝ વેરહાઉસ અને મોગર ખાતે અમૂલ ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ જેવા એકમોનું ઉદ્ઘાટન કર્યું.
આપણ વાંચો : દેશવ્યાપી સહકારથી સમૃદ્ધિનો સંકલ્પઃ આણંદથી અમિત શાહે આપ્યો સહકાર મંત્ર…