દેશવ્યાપી સહકારથી સમૃદ્ધિનો સંકલ્પઃ આણંદથી અમિત શાહે આપ્યો સહકાર મંત્ર…
સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના પાંચ પી સાથે વિસ્તારવાનું આહવાન

આણંદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિતે દૂધ નગરી આણંદ ખાતે વિશાળ સહકાર સંમેલન યોજાયું હતું. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા આજે અમિત શાહે સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના પાંચ પી (P) સાથે દેશવ્યાપી વિસ્તારવાનું આહવાન કર્યું હતું.
સહકારિતા મંત્રાલય કયાં પાંચ પી આધારે કરે છે કામ
આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રાલયને ચાર વર્ષ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના 60 વર્ષ અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિ વર્ષના સુભગ સમન્વય આણંદમાં સહકાર સંમેલન સાથે અનેક કાર્યો થઇ રહ્યા છે. કેન્દ્રીય સહકારિતા મંત્રાલય ચાર વર્ષમાં પાંચ પી (P) આધારે કામ કરી રહ્યું છે. People (જનસેવા કેન્દ્રિત), PACS (પ્રાથમિક સહકારી મંડળીઓનું સશક્તિકરણ), Platform (ડિજિટલ પ્લેટફોર્મ), Policy (નવી નીતિઓ) અને Prosperity (સમાજની સંપન્નતા)ના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકાર પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તરી રહ્યો છે.

મણીબેન પટેલ ભવનનું પણ લોકાર્પણ કરાયું
અમૂલ ડેરીના ચોકલેટ, દૂધ, દહી અને મોઝરેલા ચીજના એક્સટેન્શન પ્લાન્ટનું લોકાર્પણ કર્યાં બાદ સાથે એનડીડીબીના મુખ્યાલય ખાતે મણીબેન પટેલ ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે સરદાર પટેલ સહકારી દૂધ ડેરી ફેડરશનનું નોંધણી પત્ર અર્પણ કરી લોગોનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત કચ્છના રણમાં કામ કરતા અગિયારોને સહકારી પ્રવૃત્તિમાં જોડવા કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનું નોંધણી પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
પશુપાલન કરતી બહેનોના કાર્યને બિરદાવ્યું
અમૂલ ડેરીનું ઉદાહરણ આપતાં અમિત શાહે કહ્યું કે, 36 લાખ ગુજરાતી અને 20 લાખ દેશભરના મળી કુલ 56 લાખ બહેનો પશુપાલન થકી દૂધ ઉત્પાદન દ્વારા રૂપિયા 80 હજાર કરોડનું ટર્નઓવર કરે છે. જે આગામી વર્ષે એક લાખ કરોડ થશે, જેનો નફો 56 લાખ સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આ બહેનોના ખાતામાં જશે. વૈદિક કાળથી સહકારની પરંપરા ચાલે છે. સાથે બેસી જમવાનું, કામ કરવાનું, વિચારવાનું અને સાથે રહેવાની આપણી સહકારી પરંપરાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. જેમાં 08.40 લાખની વધુ મંડળીમાં 31 કરોડ સભાસદો જોડાયેલા છે. આ મંડળીઓ દૂધ, બેન્કિંગ, ખાંડની મિલો અને ડિજિટલ પેમેન્ટ જેવા ક્ષેત્રોમાં દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે. આ મંત્રાલયના ચાર વર્ષમાં 60થી વધુ પહેલ કરવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલે ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને યાદ કર્યા
ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, શ્યામા પ્રસાદજીએ પશ્ચિમ બંગાળને ભારતનો ભાગ બનાવવામાં અને કાશ્મીરને દેશનો અભિન્ન હિસ્સો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. “એક દેશમાં બે નિશાન, બે વિધાન, બે પ્રધાન નહીં ચાલે”ના નારા સાથે તેમણે પોતાનું બલિદાન આપ્યું હતું. તેમણે પંડિત નેહરુના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી, તે આજે 12 કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
ગુજરાત આજે પણ સહકારીતામાં અગ્રેસર છે
ગુજરાતના સહકારી ક્ષેત્રની સિદ્ધિઓ પર ગૌરવ વ્યક્ત કરતાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખૂબ જ વખાણ કર્યાં હતા. કહ્યું કે, ગુજરાત આજે પણ સહકારીતામાં અગ્રેસર છે. રાજ્યનું સહકારી ક્ષેત્ર રૂપિયા ચાર લાખ કરોડનું ટર્નઓવર કરે છે, 27 લાખથી વધુ નવા બેંક ખાતાં ખોલવામાં આવ્યાં છે અને રૂપિયા 12000 કરોડથી વધુ થાપણો જમા થઈ છે. દૂધ ઉત્પાદનમાં રોજના 325 લાખ લિટરનો સંગ્રહ થાય છે, અને મહિલા-સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યામાં 21 ટકા તેમજ તેમની આવકમાં 43 ટકાનો વધારો નોંધાયો છે. “સહકારથી સમૃદ્ધિ”ના મંત્રને સાકાર કરવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો.

ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું
દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જે આવનારા ભવિષ્યમાં સહકારી ક્ષેત્ર માટે યોગ્ય માનવસંસાધન તૈયાર કરશે. NDDB અને અમૂલના નવતર પ્રોજેક્ટ્સ ગુજરાતના ડેરી, ખેતી અને પશુપાલન ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જશે. સહકાર મંત્રાલય દ્વારા “સહકારથી સમૃદ્ધિ”નો મંત્ર ગામે ગામ સુધી સાકાર થશે, જેથી 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યમાં સહકારી ક્ષેત્રનું યોગદાન મહત્વનું રહેશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના સહકાર રાજ્ય પ્રધાન કૃષ્ણપાલ તથા મુરલીધર મોહોલ, ભારત સરકારના મત્સ્ય અને પશુપાલન રાજ્ય પ્રધાન જ્યોર્જ કુરિયન, ભારત સરકારના મત્સ્ય અને ડેરી વિભાગના રાજ્ય પ્રધાન એસ.પી. બઘેલ, ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકરચૌધરી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાના દૂધ સંઘના ચેરમેનનો, સહકાર ક્ષેત્રના આગેવાનો, ખેડૂતો અને પશુપાલકો સહિત દૂધ મંડળીના મહિલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.