બોલો, 24 રુપિયાના રિફંડ માટે 87,000 ગુમાવ્યા! ઓનલાઈન શોપિંગ ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો…

અમદાવાદ: તાજેતરમાં શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જ્યાં માત્ર ₹ 24ના નજીવા રિફંડ મેળવવાના ટ્રાય કરવામાં એક મહિલાએ પોતાના બેંક ખાતામાંથી લગભગ ₹ 87,000 ગુમાવવાનો વારો આવ્યો હતો. આ કિસ્સો ઓનલાઈન શોપિંગ કરતી વખતે અજાણ્યા લોકો દ્વારા થતા ફ્રોડ અને સાયબર સુરક્ષાના જોખમો વિશે ગંભીર ચેતવણી સમાન છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે આ ઘટના બની છે, જેમણે ઝેપ્ટો પરથી શાકભાજીનો ઓર્ડર આપ્યો હતો.
મળતી માહિતી અનુસાર ચાંદખેડાની આ મહિલાએ ઝેપ્ટોમાંથી રીંગણનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેને નાના રીંગણની જગ્યાએ મોટા રીંગણ મળ્યા હતા. આ બદલાયેલા ઓર્ડરને પાછો આપવા માટે જ્યારે તેણે ડિલિવરીબોયને કહ્યું, ત્યારે તેણે રિફંડ આપવાનો ઇનકાર કર્યો અને કસ્ટમર કેરનો સંપર્ક કરવાની સલાહ આપી, એમ કહીને કે તેની પાસે નંબર નથી. આ પછી મહિલાએ ઇન્ટરનેટ પર ઝેપ્ટોનો ગ્રાહક સેવા નંબર શોધ્યો અને એક વ્યક્તિ સાથે વાત કરી, જેણે તેને અન્ય એક નંબર પર કોલ કરવા કહ્યું. આ બીજો નંબર જ છેતરપિંડીની જાળમાં ફસાવવાનો હતો.
જ્યારે મહિલાએ બીજા નંબર પર કોલ કર્યો ત્યારે સામેની વ્યક્તિએ વોટ્સએપ દ્વારા તેમની માહિતી માંગી અને તેમને CUSTOMERSUPPORT.APK નામની એક ફાઇલ મોકલીને લિંક ચેક કરવા માટે જણાવ્યું હતું. મહિલાએ વિશ્વાસ કરીને તે ફાઇલ ઇન્સ્ટોલ કરી દીધી. ફાઇલ ઇન્સ્ટોલ કર્યા બાદ મહિલા પાસે તેના બેંક ખાતાની વિગતો અને અન્ય જરૂરી માહિતી માંગવામાં આવી. થોડી જ વારમાં તેના એક પછી એક એમ ત્રણેય બેંક ખાતાઓમાંથી કુલ ₹ 87,000 ઉપાડી લેવામાં આવ્યા હતા.
બેંકમાંથી પૈસા ઉપાડવાના મેસેજ આવતા જ મહિલાને ખબર પડી કે તેઓ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે સમય ન ગુમાવતા તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી. આ પછી તેણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પણ આ સમગ્ર ઘટનાની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કિસ્સો દર્શાવે છે કે કોઈ પણ એપ્લિકેશન અથવા લિંકને ઇન્સ્ટોલ કરતા પહેલા તેની અધિકૃતતા ચકાસવી અત્યંત જરૂરી છે.



