
અમદાવાદઃ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં પવન ફૂંકાવવાના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. આજે વહેલી સવારે અમદાવાદ સહિતના શહેરો ઠંડીની લહેરથી ઝઝૂમી રહ્યા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છમાં વધારે ઠંડી પડવાની છે. આ સાથે ઉત્તરલ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે. આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવતીકાલથી કડકડતી ઠંડી શરૂ થઈ જવાની છે.
ડિસેમ્બર મહિનામાં ઠંડી ભૂક્કા બોલાવશે
નોંધનીય છે કે, આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ઠંડી ભૂક્કા બોલાવી શકે છે, અને 7 ડિસેમ્બર બાદ વધુ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આંકડા પ્રમાણે ગઈકાલે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે ગુજરાતમાં 32 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં 19 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે.
10મી ડિસેમ્બર સુધીમાં માવઠાની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરીથી પવનની દિશા બદલાઈને પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 8 ડિસેમ્બર વચ્ચે એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશવાની શક્યતા છે. જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ અને હળવા છાંટા જોવા મળી શકે છે. એટલું જ નહીં પરંતુ 10મી ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. જો કે, આગામી ત્રણ દિવસ એટલે કે, 10મી ડિસેમ્બર સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો…ગોદડાં-ધાબળા બહાર કાઢો! ગુજરાતમાં ઠંડીનો ચમકારો, અમદાવાદ સહિત ક્યાં કેટલી ગરમી અને ઠંડી?



