અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાત પર તોળાઈ રહ્યો છે વાવાઝોડાના ખતરો, આજે આ વિસ્તારોમાં છે વરસાદનું યલો એલર્ટ

અમદાવાદઃ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડીપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેના કારણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે. હવામન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં 55 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા પણ સલાહ આપી છે. ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો દરિયામાં ગયા છે તેમને શુક્રવાર સાંજ સુધીમાં પરત ફરી જવાની સૂચના આપવામાં આવી છે.

24 કલાકમાં ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ

શુક્રવારે સવારે છ કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભરૂચના અંકેલેશ્વરમાં નોંધાયો હતો. અંકલેશ્વરમાં 2.09 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.54 ઈંચ, સુરતના ઉમરપાડામાં 1.46 ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં 1.28 ઈંચ, દાહોદમાં 1.22 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આજે અને આવતીકાલે ક્યાં છે વરસાદનું ઓરેન્જ – યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 28 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. શુક્રવાર 23 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર, સોમનાથ, ભરૂચ, સુરત, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 24 મે ના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ તથા પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી હતી. મુખ્ય પ્રધાને આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્ય પ્રધાને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે આફત સર્જી: ગોંડલ યાર્ડમાં માલસામાનને નુકસાન, વીજળી પડવાથી પશુધનને મોટું નુકસાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button