અમદાવાદમાં રથયાત્રા સાદગીપૂર્ણ નીકળશે? વિમાન દુર્ઘટનાને પગલે શોકનો માહોલ

અમદાવાદ: 12 જુનના રોજ શહેરમાં ઘટેલી વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે. અમદાવાદમાં બનેલી આ અત્યંત કરુણ ઘટનાને ધ્યાનમાં રાખીને આષાઢી બીજના રોજ શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.
27 જૂને શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, જેના માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઈ છે. એવામાં અહેવાલો વહેતા થયા છે કે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા કોઈ ઝાકમઝોળ વગર સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટી સાથેની બેઠક બાદ આ મામલે નિર્ણય લેવામાં આવશે.
મહંત દિલીપદાસજીએ શું કહ્યું?
શહેરના જમાલપુર વિસ્તારમાં સ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આ વર્ષે રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવા અંગે નિર્ણય લેવા રાજ્ય સરકાર કે ઉચ્ચ અધિકારીઓ સાથે હજુ સુધી કોઈ બેઠક યોજાઇ નથી. હાલમાં રાબેતા મુજબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર સાથે બેઠક બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો - અષાઢી બીજ પહેલા કચ્છમાં મેઘરાજાની વધામણી; લોકોમાં આનંદની લાગણી
નોંધનીય છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદની આગવી ઓળખ છે, શહેરવાસીઓ ઉપરાંત દેશભરમાંથી લોકો રથયાત્રામાં સામેલ થવા ઉમટી પડે છે. શહેરમાં સૌ પ્રથમ 1869માં રથયાત્રા નીકળી હતી, ત્યારથી દર વર્ષે આ રથયાત્રા નીકળે છે.