પેટ્રોલ ડિઝલ પંપ પર અચાનક મહિલાઓ કેમ ત્રાટકીઃ જાણો ગુજરાત સરકારનો એક્શન પ્લાન

અમદાવાદ: ગુજરાતના ઘણા પેટ્રોલ પંપ પર 18 અને 19 જુલાઈ દરમિયાન ઘણી મહિલાઓ ત્રાટકી હતી. પરંતુ આ મહિલાઓ ગ્રાહક ન હતી. આ મહિલાઓ ગુજરાત તોલમાપ તંત્ર દ્વારા આ ખાસ ઝુંબેશ અંતર્ગત રાજ્યભરના 267 પેટ્રોલ પંપ પહોંચી હતી. આ ઝુંબેશનો હેતુ પેટ્રોલ-ડીઝલ પંપો પર ગેરરીતિઓને રોકવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો હતો. આ ઝુંબેશ દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને હાઈવે પર આવેલા પેટ્રોલ-ડિઝલ પંપોની તપાસ કરવામાં આવી, જેમાં કેટલાક પંપો પર નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું.
રાજ્યના 33 જિલ્લાઓમાં 267 પેટ્રોલ-ડીઝલ પંપોની તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન 16 પંપો પર ગેરરીતિઓ જણાતાં તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં અમદાવાદના 3, પંચમહાલના 2 પેટ્રોલ પંપો આ ઉપરાંત વડોદરા, સુરત, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા અને મોરબીમાં 1-1 પેટ્રોલ પંપ પર તપાસ હાથ ધરી હતી. આ તપાસ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન પેટ્રોલ-ડીઝલ પંપો પર અનેક ગેરરીતિઓ સામે આવી, ડિલિવરી તપાસવા જરૂરી સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવું, કેપેસિટી મેજર ફેરચકાસણી/મુદ્રાકન ન કરાવવું , ડીસ્પેંસિગ યુનિટનું ફેર ચકાસણી/મુદ્રાકન ન કરાવવું, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શીત ન કરવું જેવી ગેરરીતિઓ સામે આવી છે. આવી ગેરરીતિઓ ગ્રાહકોને નુકસાન પહોંચાડે છે. તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક અને ઇન્સપેક્ટરોએ આ પંપો સામે દંડ વસૂલીને કાર્યવાહી કરી.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા અને છેતરપિંડીથી બચાવવાનો હતો. પેટ્રોલ-ડીઝલ પંપો પર ગ્રાહકો રોજિંદી જરૂરિયાતો અને મુસાફરી માટે ઇંધણની ખરીદી કરે છે, પરંતુ ઘણીવાર ઓછું ઇંધણ આપવાની ફરિયાદો ઉઠે છે. આવી ઝુંબેશ દ્વારા તોલમાપ તંત્ર નિયમોનું પાલન સુનિશ્ચિત કરીને ગ્રાહકોનું રક્ષણ કરવા પ્રયત્નશીલ છે. હાલ આ ગેરરીતિઓ અંગે વધુ તપાસ ચાલુ છે.