ગુજરાત ભાજપના પ્રમુખની પસંદગી માટે દિલ્લીમાં બેઠક, જાણો ક્યારે નવા પ્રમુખની થશે જાહેરાત ?

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ અનેક રાજ્યોમાં પોતાના નવા પાર્ટી અધ્યક્ષની નિયક્તિ કરી હોવાના સમાચાર મળ્યાં છે. ત્યારે ગુજરાતમાં ક્યારે ભાજપ પોતાના નવા અધ્યક્ષની નિયક્તિ કરશે? મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગામી થોડા જ દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પોતાના નવા અધ્યક્ષની પસંદગી કરી શકે છે. શુક્રવારે નવી દિલ્લીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, સંગઠન રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને કેન્દ્રીય પ્રધાન તથા ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિમાયેલા ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક મળી હતી
શુક્રવારે નવી દિલ્લીમાં મળી મહત્વની બેઠક
દિલ્લીમાં જે બેઠક મળી તેમાં પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા જલદી પૂરી કરવાનો નિર્ણય થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી ગુજરાતમાં રવિવારે કે સોમવારે આ માટેની પ્રક્રિયા અંગે કોઈ મોટી અપડેટ સામે આવી શકે છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, ભૂપેન્દ્ર યાદવ ગમે ત્યારે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ પહેલા ભાજપના અધ્યક્ષ પદ માટે નામાંકનની પ્રક્રિયી પૂર્ણ કરી દેવામાં આવશે.
શું પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માત્ર ઔપચારિક હોય છે?
સૂત્રોનું કહેવું એવું છે કે, હાઈ કમાન્ડ દ્વારા અધ્યક્ષનું નામ નક્કી કરી દેવામાં આવતું હોય છે, ચૂંટણીપ્રક્રિયા તો માત્ર ઔપચારિક હોય છે. જે વ્યક્તિનું નામ હાઈ કમાન્ડ નક્કી કરશે તેને જ નામાંકન ભરવાનો આદેશ ઉપરથી કરવામાં આવશે! એટલું જ નહીં પરંતુ સૂત્રોનું કહેવું એવું પણ છે કે, આ ચૂંટણીપ્રક્રિયા બિનહરીફ રહેશે. આ સમગ્ર પ્રક્રિયા એટલે કે પાર્ટીના નવા અધ્યક્ષની ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા એકાદ અઠવાડિયામાં પૂર્ણ કરી લેવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાજપ સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી પોતાના નવા અધ્યક્ષની પસંદગી કરી શકે છે.
નવા પ્રમુખની પસંદગી થતાં મંત્રીમંડળનું વિસ્તરણ થશેઃ સૂત્રો
આ વખતે ભારતીય જનતા પાર્ટી ઓબીસીમાંથી કોઈ વ્યરક્તિને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે છે. છેલ્લા ઘણાં વર્ષોથી ઓબીસીના કોઈ નેતાને આટલી મોટી જવાબદારી આપવામાં આવી નથી. મહત્વની વાત એ પણ છે કે, આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે ઓબીસીના મત ખૂબ જ નિર્ણયાક રહેવાના હોવાથી આ એક કારણ પણ હોઈ શકે છે. જો કે, આ માત્ર સંભાવનાઓ છે. પાર્ટી કોને પ્રદેશ પ્રમુખ બનાવે છે કે આગામી થોડા જ દિવસોમાં જાણવા મળી શકે છે. નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી બાદ મુખ્ય પ્રધાન મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે, નવા પ્રમુખ આવતા વર્તમાન પ્રમુખ સીઆર પાટીલ જૂથના કેટલા નેતાઓ મંત્રીમંડળમાં રહેશે?