
અમદાવાદ શહેરમાં બોમ્બ ધમકીના ઈમેઇલ મામલે તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. સાઇબર ક્રાઇમ વિભાગે એક આરોપી પાસેથી બે એવી ડાયરીઓ જપ્ત કરી છે, જેમાં 2023થી 2024 સુધીનું લખાણ લખેલું છે અને તેમાં દરેક પાનું ભગવાનને સંબોધીને લખાયેલું છે. આ ડાયરીઓમાં આરોપીએ પોતાના દૈનિક જીવનની વાતો, ફેક ઈમેઇલ આઈ.ડી. કેવી રીતે બનાવી? કઈ જગ્યાએ ધમકીભર્યા ઈમેઇલ મોકલ્યા? તેની વિગતો વિગતવાર રીતે લખેલી છે. આ ડાયરીની વિગતો દ્વારા પોલીસને આરોપી સામે મહત્વના પુરાવા મળી શકે છે.
આરોપી પાસેથી બે એવી ડાયરીઓ જપ્ત કરવામાં આવી
આ ગુનામાં ઈમેઇલ દ્વારા અમદાવાદની અનેક શાળાઓ, હોસ્પિટલ અને સરકારી સંસ્થાઓને બોમ્બ મૂકવાની ધમકી આપી હતી. 9મી જૂને ગુજરાત હાઈકોર્ટને મળેલી બોમ્બ ધમકીથી ભારે ચકચાર મચી હતી, જો કે ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે આ તમામ ધમકીઓ ખોટી હતી. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક પગલાં લેતા તમામ સ્થળોએ તપાસ હાથ ધરી હતી, પરંતુ કયાંય શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આરોપી મહિલા રેની જોશિલદાએ 100થી વધુ મેઈલ કરીને ધમકી આપી હતી.
આરોપી રેની જોશિલદા ડાયરીમાં લખતી હતી તમામ વિગતો
સાયબર ક્રાઈમને 200 પેજની બે ડાયરી મળી આવી છે. ડાયરીમાં આરોપી આરોપી રેની જોશિલદાએ ખાસ કરીને કેવી રીતે અલગ અલગ ઈમેઇલ આઈડી બનાવી, વોઈસ ઓવર ઈન્ટરનેટ ટેકનોલોજીથી નંબર છુપાવ્યા અને પોતાનું લોકેશન બદલીને ઈમેઇલ મોકલ્યા – તેની વિસ્તૃત નોંધ રાખી છે. આ તમામ માહિતીનો ઉપયોગ પોલીસે ડિજિટલ પુરાવા સાથે મેળવી આરોપી સામે કસોટી પુરાવા તરીકે કર્યો છે. આરોપીએ ડાયરીમાં માતા પિતા પ્રત્યેના પ્રેમ અને એક તરફી પ્રેમી ડિવિજ પ્રભાકર વિશે પણ લખ્યું હોવાનું મળી આવ્યું છે. જેથી આ ડાયરી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ માટે મહત્વનો પુરાવો બની શકે છે.
આરોપીએ ડાયરીમાં લખેલી મહત્વની વાતો?
કુલ બે ડાયરી મળી આવી છે, જેમાં 2023થી 2024 સુધીના નોટ્સ લખેલા છે
દરેક પાનામાં “ભગવાન”ને સંબોધીને દિવસચર્યા અને શું-શું પ્લાન બનાવ્યો તે લખેલું છે
ક્યાંથી ફેક ઈમેઈલ ID બનાવી, કયા-કયા ઈમેઈલ મોકલ્યા અને કઈ રીતે ઓનલાઇન સાવચેતી રાખી
કુલ 213 પેમેન્ટ કર્યા હોવાની હિસ્ટ્રી પણ પોલીસને મળી
આરોપી આવા ધમકી ભર્યા મેઈલ મોકલવા માટે વર્ચુઅલ નંબર સહિત ડાર્ક વેબનો ઉપયોગ કરી હતી. જેના કારણે પોલીસથી બચી શકાય. એટલું જ નહીં પરંતુ પોલીસથી બચવા માટે ઓનલાઈન ખરીદી પણ કરતી હતી. કુલ 213 પેમેન્ટ કર્યા હોવાની હિસ્ટ્રી પણ પોલીસને મળી આવી છે. આ તમામ પેમેન્ટ ડોલરમાં કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કેસની તપાસ કરવા માટે કર્ણાટક પોલીસ , મુંબઈ પોલીસ, હિમાચલ પ્રદેશ પોલીસ , તમિલનાડુ પોલીસ અને ગોવા પોલીસે પણ અમદાવાદ સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો છે.
આ પણ વાંચો…પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, બોમ્બ-સ્ક્વોડના ઘટનાસ્થળે ધામા