અમદાવાદ

પશ્ચિમ રેલવેની પ્રમોશનલ પરીક્ષામાં સામે આવ્યું મોટું પરીક્ષા કૌભાંડ: 10 રેલવેકર્મીઓ સામે નોંધાઈ FIR, જાણો સમગ્ર મામલો

અમદાવાદ: પશ્ચિમ રેલવેમાં પ્રમોશન માટે લેવાયેલી વિભાગીય પરીક્ષાઓમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના 10 કર્મચારીઓના નામ સામે આવ્યા છે. જે પૈકીના કેટલાક તો સીનિયર ઓફિસર છે. આ તમામ લોકો સામે CBI દ્વારા FIR દાખલ કરીને તપાસ તેજ કરવામાં આવી છે. આવો જાણીએ, સમગ્ર મામલો શું છે.

‘AnyDesk’થી સોલ્વ કર્યા પેપર

10 ઓગસ્ટ, 2024ના રોજ યોજાયેલી ‘શન્ટિંગ માસ્ટર’ પરીક્ષામાં વિજિલન્સ તપાસ દરમિયાન ગેરરીતિઓ જણાઈ હતી. ત્યારબાદ 2023 અને 2024ની અન્ય પરીક્ષાઓની તપાસમાં પણ સમાન પેટર્ન મળી આવતા પશ્ચિમ રેલવેના ડેપ્યુટી ચીફ વિજિલન્સ ઓફિસર રશ્મિ લોકેગાંવકરની ફરિયાદના આધારે CBI એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

CBIની તપાસમાં જાણવા મળ્યું છે કે, પરીક્ષા પૂર્ણ થયા બાદ સર્વર પર ‘AnyDesk’ જેવા રિમોટ એક્સેસ ટૂલ્સનો ઉપયોગ કરીને ઉત્તરવહીઓમાં છેડછાડ કરવામાં આવી હતી. સ્થાપિત પ્રોટોકોલ મુજબ સર્વર અલગ હોવા જોઈએ, પરંતુ તે ઇન્ટરનેટ સાથે જોડાયેલા રહ્યા હતા અને પરીક્ષા સત્રના બે દિવસ બાદ પણ તેને સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યું ન હતું. પરીક્ષા પછીના સમયગાળાના લોગિન લોગ ગુમ હોવાનું જણાયું છે, જેથી સિસ્ટમ કોણે એક્સેસ કરી તેની ઓળખ છુપાવી શકાય. આ ઉપરાંત કૌભાંડમાં નિવૃત્ત ચીફ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ કેપી મનોજ નારાયણન દ્વારા વિકસાવવામાં આવેલા ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

છ રેલ્વેકર્મીઓએ લીધો લાભ

પ્રમોશનલ પરીક્ષાઓમાં આચરવામાં આવેલા આ કૌભાંડમાં 4 મુખ્ય આરોપીઓના નામ સામે આવ્યા છે. તત્કાલીન સિનિયર DPO જિતેશ અગ્રવાલ સામે આ કૌભાંડમાં અનેક કમ્પ્યુટર-આધારિત પરીક્ષાઓનું (CBT) નિરીક્ષણ કરી મુખ્ય નિર્ણયો લેવાનો આરોપ છે. ડેટાબેઝ આસિસ્ટન્ટ નવરોઝ કુરાની સામે ઉમેદવારો અને પ્રશ્નપત્ર સેટર્સ માટે ખોટા લોગિન આઈડી બનાવી મહત્વની માહિતી લીક કરવાનો આરોપ છે. સિનીયર ક્લાર્ક મહેન્દ્ર કુમાર શિરશાત સામે ઉમેદવારો પાસેથી પૈસા પડાવી સિનિયર ઓફિસર્સ સુધી પહોંચાડવાની મધ્યસ્થીની ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. આ સિવાય તપાસમાં છ પોઈન્ટ્સમેન અને પોર્ટરના નામ સામે આવ્યા છે જેમણે પરીક્ષામાં અસામાન્ય રીતે ઉંચા ગુણ મેળવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, CBIને તપાસ દરમિયાન અધિકારીઓના બેંક ખાતાઓમાં મોટી શંકાસ્પદ રકમ મળી આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે, કેટલાક ઉમેદવારોએ લાંચના પૈસા ચૂકવવા માટે રેલવે કર્મચારીઓની સુવિધા ‘જેક્સન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી’ માંથી લોન લીધી હોવાના પુરાવા મળ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button