
અમદાવાદ: ફેબ્રુઆરી મહિનો શરૂ થતા જ લોકોને લાગ્યું હતું કે હવે શિયાળો વિદાય લેશે, પરંતુ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ ચિત્ર કંઈક અલગ જ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત સુધીના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની ભાગોમાં વરસાદી માહોલ સર્જાતા આગામી 24 કલાકમાં ઠંડીનું જોર ફરી વધી શકે છે.
ગુજરાતના હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 14મી ફેબ્રુઆરી સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને આકાશ શુષ્ક રહેશે, પરંતુ વાતાવરણમાં સતત થતા ફેરફારને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે ગરમીના અનુભવને કારણે ‘ડબલ ઋતુ’ જેવો માહોલ સર્જાયો છે. આ અસ્થિર વાતાવરણને લીધે રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી અને ઉધરસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, 11 ફેબ્રુઆરી સુધી દિવસનું તાપમાન 30 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે, જે બાદ ફરીથી પારો ઊંચકાઈ શકે છે. જોકે, રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે. પવનની ગતિની વાત કરીએ તો, આજથી પવન થોડો શાંત પડશે પરંતુ 11 થી 16 ફેબ્રુઆરી દરમિયાન પવનની ઝડપમાં વધારો થશે અને તે 15 કિમી પ્રતિ કલાકની ગતિએ ફૂંકાઈ શકે છે. આ બદલાવને કારણે લોકોને આગામી દિવસોમાં મિક્સ ઋતુના અનુભવ માટે તૈયાર રહેવા જણાવાયું છે.
આ વર્ષે શિયાળાના અંતિમ તબક્કાની સાથે જ હવામાન વિભાગે આગામી ઉનાળાને લઈને પણ ચેતવણી આપી છે. આ વર્ષે ગરમીનો પારો સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. બીજી તરફ, ઉત્તર ભારતના રાજ્યો જેવા કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે પરિવહન સેવાઓ ખોરવાઈ શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટવાની અને ટ્રેન-ફ્લાઈટ મોડી પડવાની પણ સંભાવના છે, જેનાથી મુસાફરોએ સાવચેત રહેવું પડશે.



