
અમદાવાદ: ફેબ્રુઆરી મહિનો અડધો વીતવા આવ્યો છે ત્યારે સમગ્ર ભારતના હવામાનમાં વિચિત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. એક તરફ રાજધાની દિલ્હીમાં ગરમીએ રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે, તો બીજી તરફ હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરી હિમવર્ષાની આગાહી કરી છે. આ ફેરફારોની સીધી અસર પશ્ચિમ ભારતના રાજ્યો એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર પર પડી રહી છે, જ્યાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરો તડકો એમ ‘ડબલ સીઝન’નો અનુભવ થઈ રહ્યો છે.
દિલ્હીમાં ગરમીનો પારો ઉંચકાયો
દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે આ સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો, જ્યાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 5.2 ડિગ્રી વધીને 28.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. સવારે વાદળછાયા વાતાવરણ બાદ અચાનક નીકળેલા તડકાએ લોકોના પસીના છોડાવી દીધા હતા. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ હોવાથી સવાર-સાંજ ઠંડક અનુભવાય છે. આગામી દિવસોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનમાં ફરી થોડો ઘટાડો થઈ શકે છે.
ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ
ગુજરાતમાં હાલ મિશ્ર વાતાવરણને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ વધી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 16 ફેબ્રુઆરી સુધીમાં ઉત્તરના પહાડોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. જોકે, 14મી ફેબ્રુઆરી સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં બપોરના સમયે ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, પરંતુ રાત્રિના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે.
મહારાષ્ટ્રમાં કેવું છે હવામાન
મહારાષ્ટ્રના હવામાનની વાત કરીએ તો, મુંબઈ અને કોંકણ પટ્ટામાં મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે ઉનાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે. પુણે અને નાસિક જેવા શહેરોમાં લઘુત્તમ તાપમાન 11 થી 13 ડિગ્રીની આસપાસ રહેતા રાત્રે ઠંડક રહે છે. આગામી 24 થી 48 કલાકમાં વિદર્ભના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં પણ હાલમાં ‘મિક્સ સીઝન’ ને કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી-ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે.
હવામાન વિભાગ અનુસાર, 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન સતત ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના છે. આના કારણે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વરસાદની આગાહી છે, જેની ઠંડી અસર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પહોંચશે. બદલાતા હવામાનમાં તબિયત સાચવવી ખૂબ જરૂરી છે, કારણ કે દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત વાયરલ તાવને આમંત્રણ આપે છે.



