અમદાવાદના કાંકરિયાની ક્લબમાં કાર્યક્રમ વખતે દીવાલ ધરાશાયી, લોકોમાં નાસભાગ

અમદાવાદ: કાંકરિયા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. આ વિસ્તારમાં આવેલા એકા ક્લબમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે ક્લબની એક દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.
આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનમાં થઈ દુર્ઘટના
કાંકરિયાના એકા ક્લબ ખાતે આજે પાંચમાં આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનનો પહેલો દિવસ હતો. આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આવેલા છત્તીસગઢના કેબિનેટ પ્રધાન મીડિયાને સંબોધન કરી રહ્યા હતા. એવા સમયે અચાનક દીવાલ તૂટવાનો અવાજ આવ્યો હતો. ક્લબના પાંચમા માળે આવેલા સ્વિમિંગ પૂલની દીવાલ તૂટી પડી હતી. પરિણામે પાણી મોટા પ્રમાણમાં લીક થવા માડ્યું હતું.
કેટલાક લોકો ઈજાગ્રસ્ત, કોઈ જાનહાનિ નહીં
દીવાલ તૂટવાની ઘટનાને પગલે એક્ઝિબિશનમાં ભાગ લેનારા લોકોમાં થોડા સમય માટે ભારે નાસભાગ થઈ હતી. જોકે, તાત્કાલિક ધોરણે સ્વિમિંગ પૂલનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે દુકાનો અને શો રૂમ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કેટલાક લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. કોઈ મોટી જાનહાનિ થઈ હતી.
એકા ક્લબમાં બે દિવસીય એક્ઝિબિશનનું આયોજન
ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન અને સ્પાર્ક મીડિયા દ્વારા 4 થી 6 જુલાઈ દરમિયાન આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ ઇન્ડિયા એક્સ્પોમાં છત્તીસગઢ રાજ્ય સ્ટેટ પાર્ટનર તરીકે જોડાયેલા છે. તેમજ માલાવી અને લીસોથા દેશના હાઈ કમિશનરો એક્સપોમાં અતિથિ આવવાના છે. આ ઉપરાંત લગભગ 4000 કરતા વધારે આયુર્વેદ તબીબો એક્સપોમાં જોડાવાના છે. 15,000થી વધારે વિઝિટર્સ આ એક્સ્પોની મુલાકાત લેશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે.