ગુજરાતમાં વિટામિન, મિનરલ્સનું વેચાણ 900 કરોડને પાર, ચાર વર્ષમાં બમણો ઉછાળો

અમદાવાદઃ રાજ્યમાં વિટામિન, મિનરલ્સ અને ન્યુટ્રીકલ્સ સપ્લિમેંટ્સના વેચાણમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. 2024માં વાર્ષિક 61 ટકાના દરે વેચાણમાં વધારો નોંધાયો હતો. 2023માં આ માર્કેટનું કદ 555.1 કરોડ રૂપિયા હતું જે 2024માં વધીને 897.4 કરોડ પહોંચ્યું હતું. વધતી માંગના કારણે ફેબ્રુઆરી 2025 સુધીમાં વિટામિન, મિનરલ્સ અને ન્યુટ્રીકલ્સનું વેચાણ 908 કરોડ સુધી પહોંચી ગયું હતું.
કોરોના મહામારી પછી લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે આવેલી જાગૃત્તિ, શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં લોન્ચ થયેલા વિવિધ સ્વાસ્થ્ય પ્રોજેક્ટ પણ આ માંગ વધવાનું એક કારણ છે. 2020માં આ માર્કેટ 450 કરોડનું હતું, જે ચાર વર્ષમાં લગભગ બમણું થઈ ગયું છે.
નિષ્ણાતોના કહેવા મુજબ, મેડિકલ સ્ટોર્સ ઉપરાંત ઓનલાઈન પણ ન્યુટ્રીકલ્સ પ્રોડક્ડની માંગમાં વધારો થયો છે. 70 ટકાથી વધુ ભારતીય નિયમિત વિટામિન અને મિનરલ્સની ગોળી લે છે. જોકે તેમાંથી 45 ટકા જેટલા ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન વગર જ આ પ્રોડક્ટ ખરીદે છે.
આપણ વાંચો: મિનરલ્સથી ભરપૂર આ 5 ફળો, ડાયાબિટીસને પણ કરશે કંટ્રોલ
ઓનલાઈન પ્લેટફોર્મની નાના ગામડાઓ સુધી પહોંચ વધતાં પણ આ પ્રોડક્ટના વેચાણને વેગ મળ્યો છે. તેમજ સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગ પણ મહત્ત્વનો રોલ ભજવી રહ્યા છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને મેંટલ હેલ્થથી પીડાતા લોકોને પણ ઘણી વખત ડોક્ટર્સ દ્વારા સપ્લિમેંટ લેવાની સલાહ આપવામાં આવે છે.
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, વધુ પડતા ઉત્પાદનોના વેચાણ સાથે બજાર ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે.નવા ન્યુટ્રાસ્યુટિકલ્સ બજારમાં છે.આંતરડાના સ્વાસ્થ્ય,માસિક સ્રાવ સંબંધિત સ્થિતિ તથા ચોક્ક્સ ખામીને દૂર કરવાની પ્રોડક્ટની માંગ વધી છે. જે દર્દીઓ પહેલાથી હૃદય રોગ અથવા ડાયાબિટીસથી પીડિત છે તેવા દર્દીઓને ઘણી વખત આંતરડાની સમસ્યા થતી હોય છે, આ લોકો ન્યુટ્રીકલ્સ પ્રોડક્ટનો ઉપયોગ વિશેષ કરે છે.
બી-કોમ્પલેક્સ, કેલ્શિયમ, બી12,ડી3 જેવા વિટામિન અને મિનરલ્સની ભારે માંગ રહે છે. માનસિક તણાવ અને નબળી રોગ પ્રતિકારકશક્તિના કારણે પણ ઘણા લોકો તેનું સેવન કરે છે. હેલ્થકેર પ્રત્યે લોકો વધારે જાગૃત થઈ રહ્યા છે અને તેના કારણે લાઈનની સાથે કાઉન્ટર પરથી વેચાણમાં વધારો થયો છે.