
અમદાવાદઃ શાળામાં શિક્ષકોનું કામ બાળકોને ભણાવવાનું છે, પરંતુ કેટલાક શિક્ષકો એવા છે કે ભણાવવા સિવાયની જુગાર જેવી પ્રવૃતિઓમાં રસ લેવા લાગ્યાં છે. એક અહેવાલ પ્રમાણે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની એક હોસ્પિટલ અને નર્સિંગ કોંલેજના વાઇસ પ્રિન્સિપાલે શાળામાંથી ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વાઇસ પ્રિન્સિપાલે કોલેજની એકાઉન્ટ ઓફિસમાંથી વિદ્યાર્થીઓની ફી તરીકે એકત્રિત કરાયેલા રૂપિયા ચોરી લીધા હતા. જો કે, આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે ડોગસ્કોડ ટીમ સાથે તપાસ કરીને ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.
રમી રમતાં રૂપિયા હાર્યા તો કોલેજમાં ચોરી કરી
પોલીસે આ કેસમાં વિગતો આપતા જણાવ્યું કે, આરોપીને ઓનલાઈન રમી રમવાની લત લાગી ગઈ હતી. આ વાઇસ પ્રિન્સિપાલ રમી રમતા ઘણાં રૂપિયા હારી ગયા હતાં. જેથી તેની ભરપાઈ કરવા માટે ચોરી કરવાનો વિચાર કરી પ્લાન બનાવ્યો અને ઘટનાને અંજામ આપ્યો હતો. અત્યારે આરોપી પાસેથી કુલ 2.36 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં છે. આ સાથે આરોપી સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
ચોરીની આ સમગ્ર ઘટના ઓફિસની સીસીટીવીમાં કેદ
મેઘાણીનગરમાં એક હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ ચલાવતા પ્રહલાદ પરમારને કોલેજમાંથી ફોન આવે છે કે, કોલેજમાં ચોરી થઈ છે. પ્રહલાદ પરમારે કોલેજમાં આવીને એકાઉન્ટ વિભાગની તિજોરી જોઈએ તો ઓફિસમાંથી રૂપિયા ગાયબ હતાં. જેથી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્યારે એક બુરખાધારી મહિલા ગુપ્ત રીતે ઓફિસની તિજોરીનું તાળું ખોલતી અને 8 લાખ રૂપિયાની 500 રૂપિયાની નોટોના બંડલ સાથે ભાગી જતી જોવા મળી હતી. આ આરોપી અન્ય કોઈ નહીં પરંતુ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ હતાં.
પોલીસે 2.36 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા
મેઘાણીનગર પોલીસે આરોપીના શાહીબાગ નિવાસસ્થાનેથી 2.36 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, બાકીના 5.64 લાખ રૂપિયા રાતોરાત તેમણે ઓનલાઈન ગેમિંગ વોલેટમાં ટ્રાન્સફર કર્યા હતા, જે ઔપચારિક જપ્તીની કાર્યવાહી સુધી ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ સાથે વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરીને ભારતીય ન્યાય સંહિતાની કલમ 305 ની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.