Vibrant Gujarat સમિટ 2026માં કેમ નહીં યોજાય? જાણો શું છે કારણ…

અમદાવાદઃ ગુજરાતે ભરેલી હરણ ફાળમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું મહત્ત્વનું યોગદાન છે. તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2003માં શરૂ થયેલી આ સમિટમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં લાખો કરોડોનું રોકાણ આવ્યું છે અને ઘણા લોકોને રોજગારી પણ મળી છે. એક અહેવાલ પ્રમાણે, ગુજરાત સરકારે 2026માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમિટ 2027માં યોજાશે. આ પાછળના અનેક કારણો છે. 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી વર્ષમાં આનો લાભ લઈ શકાય તે માટે આ સમિટ 2026ના બદલે 2027માં યોજવામાં આવશે.
આ પણ વાંચો: AMC ના કોર્પોરેટરને ત્રીજું સંતાન જન્મતા છોડવું પડશે પદ, જાણો વિગત…
સૂત્રોના જણાવ્યા મુજબ, બજેટ 2025-26માં બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટર્સ સમિટની તૈયારી માટે ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટને રૂપિયા 175 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. સરકારે જાન્યુઆરી 2026ના બદલ આ સમિટ 2027માં યોજવાનું બનાવી લીધું છે. ટૂંક સમયમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. નાણાકીય વર્ષ 2025-26માં રાજ્ય સરકારે ઝોન પ્રમાણે મિનિ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાનું આયોજન કર્યું છે.
રાજ્ય સરકાર જાન્યુઆરી 2027ની વાઇબ્રન્ટ સમિટ પહેલા રાજ્યભરમાં પ્રમોશનલ ઈવેન્ટ્સ યોજશે. વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે કેટલીક પોલિસીમાં પણ બદલાવ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરી 2027માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનો લાભ ભાજપ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લેવા માંગે છે.
આ ઉપરાંત ચાલુ વર્ષના અંત સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત રહશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, જાન્યુઆરી 2027 માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવાના વિકલ્પ પર સક્રિયપણે વિચારણા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:CRIME ALERT: અસામાજિક તત્ત્વોથી પરેશાન છો, નોંધી લો આ નંબર!
ઉલ્લેખનીય છે કે 2003માં શરૂ થયેલી આ સમિટ કોવિડ-19 મહામારીના કારણે પાંચ વર્ષ સુધી યોજાઈ નહોતી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાઈ હતી.