બિલાડીની હત્યા મામલે 3 આરોપી વિરૂદ્ધ વાડજ પોલીસે FIR નોંધી, એકની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના વાડજ વિસ્તારમાં ત્રણ લોકોએ મળીને એક બિલાડીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. વીડિયોના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બિલાડીની હત્યા મામલે 3 આરોપી વિરૂદ્ધ વાડજ પોલીસ મથકે FIR દાખલ થઈ ગઈ છે. ગણતરીના કલાકોમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. બાકીના આરોપીની શોધખોળ ચાલુ કરી દેવામાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો ભારે વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી.
જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કરેલો
જ્યારે આરોપીઓ બિલાડીની હત્યા કરી રહ્યાં હતા ત્યારે એક જાગૃત નાગરિકે આનો વીડિયો બનાવી લીધો હતો. જેને પછી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં એક્ટિવાનો નંબર સ્પષ્ટ દેખાતો હોવાથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં સરળતા રહી હતી. આ સમગ્ર મામલે જાણ થતા જ વાડજ પોલીસ બનાવ વાળી જગ્યાએ પહોંચી ગઈ હતી. મરણ ગયેલ હાલતમાં બિલાડી મળી આવતા વાડજ પોલીસ સ્ટેશન ખાતે ધી ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ – 325 તથા પશુ ક્રુરતા સંરક્ષણ અધિનિયમ ની કલમ 11(1)(L) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તથા બાકી આરોપીઓ શોધવાની તપાસ તજવીજ ચાલુ છે.
શા માટે આરોપીઓએ આવું કૃત્ય કર્યું?
પોલીસે આ કેસમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, મુખ્ય આરોપી રાહુલ દંતાણીની પત્ની જ્યારે બિલાડીને દૂધ પીવડાવવા જતી હતી, ત્યારે બિલાડી ભડકી અને તેની પત્નીને ઈજા પહોંચાડી હતી. જેથી આરોપી ગુસ્સામાં આવી ગયો અને બિલાડીને મારી નાખી હતી. બાકીના બે લોકો જે વીડિયોમાં દેખાઈ રહ્યાં છે, તેમનો આ કૃત્યમાં કેટલા સક્રિય છે તેની તપાસ કરવામાં આવી ત્યારે કોઈ ગુનામાં સક્રિય હોવાનું જણાયું નથી. મુખ્ય આરોપી બલોલનગરનો રહેવાસી છે અને છૂટક મજૂરી કરતો હોવાનું પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે. આ પહેલા તેણે કોઈ ગુનો કરેલો નથી.
આરોપી સામે કડકમાં કાર્યવાહી કરવા લોકોની માંગ
નિર્દોષ જીવ પ્રત્યેની આવી ક્રૂરતા સમાજ માટે કલંક સમાન છે. આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. પશુઓ પ્રત્યે આત્યારે આવી હિંસા અને વિકૃત માનસિકતા વધી રહી છે. જેથી આ બાબત ખરેખર ચિંતાજનક છે. હવે આ કેસમાં પોલીસ દ્વારા આગળ કેવી કાર્યવાહી કરવામાં આવશે? તે જોવાનું રહેશે.



