ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં 10 વર્ષના બાળક સહિત ચારનાં મોત, અનેક ઘાયલ

અમદાવાદ: ઉત્સાહની પતંગબાજી દરમિયાન ગુજરાતમાં દુઃખદ બનાવો બન્યા હોવાથી રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ર વર્ષે પતંગની દોરી અથવા પતંગ પકડવા જતા પતંગરસિયાઓ ઈજાગ્રસ્ત થાય છે અને અમુક કિસ્સામાં જીવ પણ ગુમાવે છે. આવી જ અલગ અલગ ઘટનાઓમાં ગુજરાતમાં ચાર જણે જીવ ગુમાવ્યા હતા, જેમાં એક 10 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
પતંગની કપાયેલી દોરી પકડવામાં જતા 33 વર્ષીય યુવાનનું મોત
વડોદરાના વાઘોડિયા રોડ ખાતે પતંગની કપાયેલી દોરી પકડવામાં જતા એક 33 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. અહીં રહેતા શંકર રાઠવા નામનો યુવક વીજલાઈનમાં ફસાયેલી પોતાની પતંગ કાઢવા જતો હતો, ત્યારે દોરી પકડતા જ તેને કરંટ લાગ્યો હતો અને તે ઢળી પડ્યો હતો.
તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતા ઉજવણી માતમમાં ફેરવાઈ હતી. યુવક ત્રણ વર્ષના બાળકનો પિતા હતો અને પરિવારનો આધાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાચો: કચ્છમાં કરૂણા અભિયાન: જાણો પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની કેવી રીતે થશે સારવાર
કરજણ વિસ્તારમાં 10 વર્ષીય હિમાંશુ કશ્યપનું મોત
આ સાથે વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં 10 વર્ષના બાળક હિમાંશુ કશ્યપનું પણ પતંગને કારણે મોત નિપજ્યું છે. આ બાળક પતંગ પકડવા દોડતો હતો ત્યારે ઝડપથી આવેલી કારની હડફેટે આવી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, તેનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે
તીક્ષ્ણ દોરીના કારણે ગળું કપાઈ જતા બે યુવાનોના મોત
ભરૂચ જિલ્લાના પીલુદરા ગામ અને અરવલ્લીના બાયડ તાલુકામાં પતંગની તીક્ષ્ણ દોરીના કારણે ગળું કપાઈ જતા બે યુવાનોના મોત થયા છે. આ ઘટનાઓએ પતંગબાજીના જોખમો પર ફરીથી ચર્ચા શરૂ કરી છે. પતંગ ચગાવવી જોખમી પણ સાબિત થઈ શકે છે, આમાંથી એક યુવકનું તો ચાઈનીઝ દોરીના કારણે ગળું કપાયું છે. જે દોરી પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ લોકો તેનો પ્રયોગ કરી રહ્યાં છે.
અરવલ્લીના ચોઈગા ગામમાં એક યુવકનું મોત
અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો, બાયડ તાલુકાના ચોઇલા ગામમાં મોપેડ લઈને જતાં એક સગીર યુવકનું ચાઈના દોરીને કારણે ગળું કપાતા મોત થયું છે. 17 વર્ષીય તીર્થ પટેલ નામના યુવકના દોરી ગળામાં દોરી આવી જતા તેનું ગયું કપાઈ ગયું હતું. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરામાં પતંગની દોરીના કારણે એક યુવકનું મોત થયું હતું. રાહુલ પરમાર નામનો વ્યક્તિ બાઈક લઈને જતો હતો તે દરમિયાન દોરી ગળામાં આવી જતાં તેનું મોત થયું હતું.
રિવરફ્રન્ટ પર એક વ્યક્તિને દોરી વાગી
આવી જ ઘટનાઓ આણંદ, બગોદરા-બાવળા, રાજકોટ અને અમદાવાદમાં પણ બની હતી, જેમાં પતંગની દોરીને કારણે ગંભીર ઈજા થતા દરદીઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર ઉસ્માનપુરા પાસે બાઇક પર જઈ રહેલા વ્યક્તિને દોરી વાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઘાયલોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સાથે આણંદમાં જીટોડિયાથી મોગરી જતા રોડ પર પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતા 108 દ્વારા સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
રાજોકોટમાં એક મહિલા અગાસી પરથી નીચે પડી
જેતપુરના જેતલસર ગામમાં પતંગ ચગાવવા માટે અગાસી પર ચડેલી મહિલા નીચે પટકાઈ હતી. 38 વર્ષીય મહિલાને ગંભીર ઇજાઓ થતાં એમ્બ્યુલન્સ મારફતે જેતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સ્થિતિ વધારે ખરાબ હોવાના કારણે વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.



